ગુજરાત વિધાનસભામાં, અમદાવાદ શહેરના વેજલપુર મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે, અમદાવાદ મહાનગરપાલિકા અને જિલ્લા કલેકટરના તંત્રની પોલ ખોલી નાખી છે. અશાંતધારા સુધારા વિધેયક પરની ચર્ચામાં ભાગ લેતા અમિત ઠાકરે કહ્યું કે, રાજકોટ શહેરના એક જંજલેશ્વર જેવા પાંચ જંગલેશ્વર મારા મતવિસ્તાર જુહાપુરામાં આવેલ છે. અમદાવાદના પ્રશાસને મને લેખિતમા જવાબ આપેલ છે. જુહાપુરામા આવેલ ફતેવાડી વિસ્તારમાં 2.5 લાખ ચોરસ મીટર સરકારી જમીન પર ગેરકાયદે દબાણ ખડકી દેવામાં આવ્યું છે. જેને હજુ સુધી કોઈએ તોડી પાડ્યું નથી. રાજકોટમાં એક જંગલેશ્વર જેટલી જમીન પર હતું એટલી જુહાપુરાની સરકારી જમીન પર દબાણ છે કે, 5 જંગલેશ્વર બને.
મોરબીના હળવદમાં જૂની અદાવતમાં બે પરિવાર બાખડ્યા, એકનુ મોત, 4 મહિલા સહિત 9 સામે પોલીસ ફરિયાદ
મોરબી હળવદમાં જૂની અદાવતમાં બે પરિવાર વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. હળવદ બસ સ્ટેન્ડ પાછળ vr સોસાયટીમાં મારામારીમાં 1 મોત થયું છે. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઇ. કુલ ચાર મહિલા સહિત નવ વિરુદ્ધ ફરિયાદ. મારામારીમાં ઘવાયેલ કાળુભાઈ પરમાર (ઉંમર 44) નું સારવાર દરમિયાન મોત થયું છે. સામસામી બબાલમાં અકે બાઇક પણ સળગાવી દેવાયું.
અમદાવાદના સુપ્રસિદ્ધ મંદિરના ભોજનના મેનુમા મૂકાયો કાપ, સવારે દાળ-ભાત, સાંજે ખીચડી-કઢી અપાશે
LPG ની અછતના કારણે અમદાવાદના સુપ્રસિદ્ધ મંદિરની ભોજન શાળામાં મેનુ બદલાયા છે. સંપૂર્ણ ભોજનની જગ્યા પર હવે દાળ-ભાત અને કઢી ખીચડીનું ફિક્સ મેનુ કરવામાં આવ્યું છે. અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં અન્ય ભોજન વાનગીના મેનુ પર કાપ મૂકવામાં આવ્યો છે. સવારે માત્ર દાળ ભાત અને સાંજના સમયે કઢી ખીચડીનું ફિક્સ મેનુ નક્કી કરવામાં આવ્યું છે. દૂરથી આવતા ભક્તો ભૂખ્યા ના જાય તે માટે મેનુ પર કાપ રાખીને પણ રસોડું ચાલુ રાખવામાં આવશે. રોજ ના 4 થી 5 ગેસ સિલિન્ડર ખાલી થતા હતા.
જામનગરના 29 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ, મિલ્કત ખરીદ-વેચાણમાં પ્રાંત અધિકારીની મંજૂરી લેવી પડશે
જામનગર શહેરના 29 જેટલા વિસ્તારમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ પાડવામાં આવ્યો છે. નિયત કરાયેલા વિસ્તારોમાં મિલ્કતની તબદીલી સમયે શહેર પ્રાંત અધિકારીની મંજૂરી લેવાની રહેશે. જામનગર શહેરના સીટી સર્વે-1માં સમાવિષ્ટ વિસ્તાર રાજગોર ફળી, ગણેશફળી, દેવબાગ, સમૃદ્ધિ એપાર્ટમેન્ટ, સુતરીયા ફળી, વઝીર ફળી, શત્રુખાના, ડેલી ફળી, વજુ કંદોઇની ડેલી, બારોટ ફળી, ટાંક ફળી, હેવલી શેરી, ધોરમ ફળી, સોની ફળી, મોટુ ફળી, દેહરા ફળી, વંડા ફળી, ખારા કૂવા, સોઢાનો ડેલો, પુનાતર ફળી, ઘોઘીનો ડેલો, વારીયાનો ડેલો, ભોઇવાડો, કુંભારવાડો, ખવાસ વાડો, કોલીવાડ, અણદાબાવાનો ચકલો અને નાગર ચકલા વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો. સીટી સર્વે-૨2માં સમાવિષ્ટ પંચવટી વિસ્તારમાં 22 માર્ચ 2031 સુધી 5 વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો. આ વિસ્તારમાં મિકલતની તબદીલી સમયે ગુજરાત અશાંત વિસ્તાર ખાતેની મિલ્કતની તબદીલી પર પ્રતિબંધ મુકવામા આવ્યો.
