પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે વિસ્તારમાંથી પસાર થતા કેટલાક લોકોએ કચરાના ઢગલા પાસે બાળકના રડવાનો અવાજ સાંભળ્યો હતો. શંકા જતા નજીક જઈ તપાસ કરતા ત્યાં એક નવજાત શિશુ નિરાધાર હાલતમાં પડેલું જોવા મળ્યું, જેને જોઈ લોકો સ્તબ્ધ રહી ગયા હતા. પાષાણ હૃદય ધરાવતી માતાએ જન્મ બાદ જ પોતાના બાળકને ત્યજી દીધું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
માધાપર ચોકડી નજીક આવેલા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કચરાના ઢગલા પાસે ત્યજી દેવાયેલું જીવિત નવજાત શિશુ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ માનવતા દાખવી તાત્કાલિક 108 ઇમરજન્સી સેવા અને પોલીસને જાણ કરી હતી. થોડા જ સમયમાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને નવજાત શિશુને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યું હતું. હાલ શિશુની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે અને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને બાળકને ત્યજી જનાર માતા અથવા સંબંધિત વ્યક્તિઓને શોધવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ સહિતના આધાર પર તપાસ હાથ ધરવામાં આવી છે.
એક તરફ સમાજમાં માનવતા અને સંવેદનશીલતાની વાતો થાય છે, ત્યારે બીજી તરફ આવી ઘટનાઓ સમાજ માટે ગંભીર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે.
