Friday, January 30, 2026
Homeગુજરાતસૌરાષ્ટ્રમાં દિવસભર ઘટનાઓની ભરમાર: પોલીસ ચોકીનું લોકાર્પણ, રોડ મુદ્દે રોષ, ગુમ સગીરાઓ...

સૌરાષ્ટ્રમાં દિવસભર ઘટનાઓની ભરમાર: પોલીસ ચોકીનું લોકાર્પણ, રોડ મુદ્દે રોષ, ગુમ સગીરાઓ મળી આવી, ફૂડ બેદરકારી અને સિંહોની દહેશત


રાજકોટ–અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં દિવસભર વિવિધ મહત્વપૂર્ણ ઘટનાઓ સામે આવી છે. વસંત પંચમીના શુભદિને કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશન અને સેવાભાવી નાગરિકોની લોકભાગીદારીથી કુવાડવા રોડ પોલીસ સ્ટેશન હેઠળની કુવાડવા પોલીસ ચોકીનું લોકાર્પણ માનનીય પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા. નવી પોલીસ ચોકી શરૂ થતા કુવાડવા રોડ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ રાજકોટના માધાપર નજીક મનહરપુર ગામમાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કર્યા બાદ કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ રામભરોસે છોડી દેવાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અધૂરા રોડના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ અકસ્માતની ભીતિ પણ વધી છે. ગ્રામજનોએ તાત્કાલિક રોડ સુધારાની માંગ ઉઠાવી છે.

રાજકોટના ગોંડલ વિસ્તારમાંથી ગુમ થયેલી બન્ને સગીરાઓને પોલીસે સફળતાપૂર્વક શોધી કાઢી છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરી સગીરાઓને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવી છે, જ્યારે તેમને ભગાડી જનાર બે યુવકોની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાથી પરિવારોને મોટી રાહત મળી છે.

શહેરમાં ફૂડ સેફ્ટી મુદ્દે પણ ચર્ચા ગરમાઈ છે. રાજકોટના રૈયા રોડ પાસે આવેલા લાપીનોઝ પિઝામાં એક ગ્રાહકે પિઝા મંગાવ્યા બાદ તેમાં મૃત મકોડું જોવા મળ્યું હતું. આ ઘટનાથી નારાજ ગ્રાહકે રેસ્ટોરન્ટની બેદરકારી દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે, જેના કારણે ખાદ્ય સલામતી અંગે પ્રશ્નો ઊભા થયા છે.

અમિત ખૂંટ આપઘાત મામલે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. આ કેસમાં આરોપી રાજદીપસિંહને અદાલત દ્વારા જામીન મંજૂર કરવામાં આવતા તેની જેલમુક્તિ કરવામાં આવી છે. કેસને લઈ શહેરમાં વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે.

વન્યજીવન તરફ નજર કરીએ તો અમરેલી જિલ્લાના ધારી તાલુકા નજીક આંબરડી નદી વિસ્તારમાં મોડી રાતે વાછરડીનો શિકાર કરતી સિંહ પરિવારની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાથી ધારી તાલુકામાં સિંહોના સામ્રાજ્યનું ફરી એકવાર સાબિત થયું છે. નોંધનીય છે કે એકલા અમરેલી જિલ્લામાં જ 839થી વધુ સિંહોની સંખ્યા નોંધાઈ ચૂકી છે, જેના કારણે સિંહો હવે જંગલમાંથી ગામડાની વાટ લેતા હોવાની સ્થિતિ ઊભી થઈ છે.

આ ઉપરાંત રાજકોટના કાગદડીના પાટીયા નજીક ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી, જોકે વાહનોને નુકસાન પહોંચતાં થોડો સમય ટ્રાફિક અવરોધાયો હતો.


RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments