Friday, January 30, 2026
HomeGujaratઘેડ ખેલોત્સવ-૨૦૨૬મા એમ.પી.જે. એલ.હાઈસ્કુલ ગોસા(ઘેડ) ના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ઠ દેખાવ

ઘેડ ખેલોત્સવ-૨૦૨૬મા એમ.પી.જે. એલ.હાઈસ્કુલ ગોસા(ઘેડ) ના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ઠ દેખાવ

આરતી મોઢવાડીયા દોડ માં પ્રથમ, તો ગોળા ફેંકમાં રાણી કોડિયાતર પ્રથમ,ખોખોમાં બહેનોની ટીમનો અદભૂત સંઘર્ષ “ટાઈ”

ગોસા(ઘેડ) તા.૧૬/૦૧/૨૦૨૬
ઘેડ પંથકની ધરતી હંમેશા મહેનત, સંઘર્ષ અને સંસ્કાર માટે જાણીતી રહી છે. આ ધરતી પર ઉછરતા બાળકોમાં રમતગમત ક્ષેત્રે પણ અપરંપાર શક્તિઓ છુપાયેલી છે—અને એ શક્તિઓને ઉજાગર કરવાનો ઉમદા પ્રયાસ એટલે ઘેડ ખેલોત્સવ–૨૦૨૬.
ઘેડ સામાજિક વિકાસ સમિતિ દ્વારા પોરબંદરના સરદાર પટેલ રમત સંકુલ ખાતે આયોજિત આ ખેલોત્સવ માત્ર સ્પર્ધા નહોતો, પરંતુ તે આત્મવિશ્વાસ, શિસ્ત અને સપનાઓને પાંખો આપતો ઉત્સવ હતો. આ વર્ષે ખેલોત્સવનું આયોજન સ્વ. મહંત વિજયદાસજીની ૧૦૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું, જેને કારણે કાર્યક્રમને વિશેષ ભાવાત્મક મહત્વ પ્રાપ્ત થયું હતું.
વિદ્યાર્થિનીઓનો ઝળહળતો વિજય
માતુશ્રી પુરીબાઈ જીવનભાઈ લાખાણી હાઈસ્કૂલ, ગોસાની વિદ્યાર્થીનીઓએ ખેલોત્સવમાં જે પ્રદર્શન કર્યું, તે દરેક માટે ગૌરવની વાત બની.
અન્ડર–૧૭ બહેનોની ૧૦૦ મીટર દોડમાં મોઢવાડીયા આરતી લાખણશીએ પ્રથમ ક્રમ મેળવી પોતાની ઝડપ, મહેનત અને દૃઢ સંકલ્પનો પરિચય આપ્યો. એ જ રીતે ગોળા ફેંક સ્પર્ધામાં કોડીયાતર રાણી સેજાભાઈએ પ્રથમ સ્થાન મેળવી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું.
આ વિજયો માત્ર મેડલ સુધી સીમિત નથી—આ વિજયો ઘેડ પંથકની દીકરીઓ હવે કોઈપણ મેદાનમાં પાછળ નથી એનો પુરાવો છે.
વિદ્યાર્થી ભાઈઓનું પણ પ્રશંસનીય પ્રદર્શન
ગોસા હાઈસ્કૂલના વિદ્યાર્થી ભાઈઓએ પણ ૧૦૦ અને ૨૦૦ મીટરની દોડમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ સુંદર દેખાવ કર્યો. ધોરણ ૯ અને ૧૦ના અન્ડર–૧૭ વય જૂથના વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક માહોલમાં પોતાનું કૌશલ્ય સાબિત કરી બતાવ્યું.
ખો-ખો : જીત કરતાં મોટી હતી લડત
ખો-ખોની બહેનોની ટીમે ટીમ કેપ્ટન ઓડેદરા જયશ્રી બળદેવના નેતૃત્વ હેઠળ અદભૂત સંઘર્ષ કર્યો. પ્રથમ વખત બહારની મોટી સ્પર્ધામાં ભાગ લેતા હોવા છતાં ટીમે અંત સુધી હરીફ ટીમને કડક ટક્કર આપી રમતને રોમાંચક બનાવી. નિયમોની અપૂરતી જાણકારીને કારણે અંતે ટાઈ-breakમાં હારી ગઈ હોવા છતાં, આ ટીમે દર્શાવેલી લડાયક ભાવના સૌ માટે પ્રેરણારૂપ બની.
પ્રિન્સિપાલ સંતોકબેન આગઠ : પરિવર્તનની ઓળખ
ગોસા હાઈસ્કૂલમાં વર્ષો પછી રમતગમત ક્ષેત્રે જે બદલાવ જોવા મળી રહ્યો છે, તેના પ્રેરણાસ્ત્રોત કર્મવીર પ્રિન્સિપાલ સંતોકબેન આગઠનું માર્ગદર્શન મુખ્ય કારણ બન્યું છે.
વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસમાં નહીં, પરંતુ રમતગમતમાં પણ આગળ વધારવાની તેમની દૃષ્ટિ આજે પરિણામરૂપે દેખાઈ રહી છે. જાતે વિદ્યાર્થીઓને તૈયાર કરી, સ્પર્ધામાં લઈ જઈ, સતત પ્રેરણા પૂરું પાડવું—આ જ કારણ છે કે ગોસા હાઈસ્કૂલ આજે ખેલોત્સવો માં ઓળખ બનાવતી જાય છે.
પ્રમાણપત્ર અને પુરસ્કારોથી સન્માન
ઘેડ સામાજિક વિકાસ સમિતિ દ્વારા વિજેતા થનાર તમામ ખેલાડીઓને પ્રમાણપત્રો તથા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. ગોસા ગામના સરપંચ વાઘાભાઈ કોડીયાતર, ઘેડ વિકાસ સલાહકાર સમિતિના પૂર્વ સભ્ય તથા પત્રકાર વિરમભાઈ કે. આગઠ સહિત શાળા સ્ટાફે, પ્રિન્સીપાલ સંતોકબેન આગઠએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા વ્યક્ત કરી હતી.
ઘેડ ખેલોત્સવ–૨૦૨૬ એ સાબિત કરી દીધું કે પ્રતિભા ઘેડ પંથકમાં ભરપૂર છે, જરૂર છે તો માત્ર યોગ્ય માર્ગદર્શન અને મંચની.
અને જ્યારે દીકરીઓ દોડમાં આગળ આવે, ત્યારે સમજી લેવું—સમાજ સાચી દિશામાં દોડી રહ્યો છે.
રિપોર્ટ : વિરમભાઈ કે. આગઠ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments