રાજકોટ : જાહેરનામાનો ભંગ કરી બેફામ દોડતા ઓવરલોડ ટ્રકો, તંત્રની કામગીરી સામે સવાલો
રાજકોટ શહેર અને આસપાસના રાજમાર્ગો પર ઓવરલોડ ટ્રકોની બેફામ દોડ યથાવત છે. પોલીસ કમિશનર દ્વારા સ્પષ્ટ જાહેરનામું હોવા છતાં ભારે વજન ભરેલા ટ્રકો મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાંથી ખુલ્લેઆમ પસાર થઈ રહ્યા છે. રૈયા ચોકડી નજીક કિડવાઈ નગર મેઈન રોડ પર ઓવરલોડ ટ્રક રસ્તામાં પડેલા ખાડામાં ફસાઈ જતા સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ભારે વજન ભરેલા ટ્રકના કારણે અચાનક રસ્તો ધસી પડ્યો હતો અને ટ્રક ખાડામાં ફસાઈ ગયો. ઘટનાના કારણે વિસ્તારમાં ટ્રાફિકજામ સર્જાયો હતો અને સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આ ઘટનાએ શહેરના રસ્તાઓની ગુણવત્તા સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે.
વિશેષ વાત એ છે કે રાજકોટમાં નંબર પ્લેટ વિનાના કાળમુખા ઓવરલોડ ટ્રકો નિર્ભયતાથી ફરી રહ્યા છે. આવા ટ્રકો રહેણાંક સોસાયટીઓમાંથી પણ પસાર થાય છે, જેનાથી અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે ટ્રાફિક પોલીસ બેફામ દંડ ઉઘરાવવામાં વ્યસ્ત છે, પરંતુ ઓવરલોડ ટ્રકો સામે આંખ આડા કાન કરી રહી છે.
ઘટના સ્થળે ટ્રકનો માલિક પણ પહોંચી ગયો હતો. તેણે મીડિયા સાથે વાત કરતા આશ્ચર્યજનક નિવેદન આપ્યું કે, “મને પણ ખ્યાલ નથી કે મારો ટ્રક ક્યાં જઈ રહ્યો છે.” માલિકના આ નિવેદનથી ટ્રક સંચાલન અને જવાબદારી અંગે વધુ શંકાઓ ઊભી થઈ છે.
સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકો દ્વારા તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. લોકોનું કહેવું છે કે જો સમયસર ઓવરલોડ ટ્રકો પર કડક કાર્યવાહી નહીં થાય તો મોટા અકસ્માતો સર્જાવાની શક્યતા છે. હાલ આ ઘટનાને લઈને ટ્રાફિક પોલીસ અને સંબંધિત વિભાગોની ભૂમિકા પર પણ પ્રશ્નચિહ્ન લાગી ગયું છે.
