રાજકોટમાં ઓવરલોડ ટ્રકોનો આતંક: જાહેરનામું કાગળ પર, રસ્તાઓ પર બેફામ દોડ
રાજકોટ શહેરના રાજમાર્ગો પર હાલ ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાં ઓવરલોડ ટ્રકો શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં બેફામ રીતે દોડી રહ્યા છે. રૈયા ચોકડી પાસે કિડવાઈ નગર મેઈન રોડ પર આવી જ એક ઘટના સામે આવી હતી, જ્યાં ભારે ભરેલા ટ્રક રસ્તામાં પડેલા ખાડામાં ફસાઈ ગયો હતો અને લાંબો સમય સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.
સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે ઓવરલોડ ટ્રકોના કારણે રસ્તાઓ ઝડપથી ખરાબ થઈ રહ્યા છે. નવીન બનાવાયેલા રોડ પણ થોડા જ સમયમાં તૂટી જતા રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ટ્રક ખાડામાં ફસાઈ જતાં એ સ્પષ્ટ થયું કે માર્ગ નિર્માણ અને મેન્ટેનેન્સમાં પણ મોટી બેદરકારી છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે શહેરમાં ઘણા કાળમુખા ઓવરલોડ ટ્રક નંબર પ્લેટ વિના ફરી રહ્યા છે. નિયમો મુજબ આવા વાહનો તરત જ જપ્ત થવા જોઈએ, પરંતુ હકીકતમાં તેઓ નિર્ભયપણે ફરતા જોવા મળે છે. લોકોમાં આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે અને ટ્રાફિક પોલીસ પર બેફામ દંડ ઉઘરાવીને પણ વાસ્તવિક કાર્યવાહી ન કરવાની આક્ષેપો થઈ રહ્યા છે.
ઘટનાસ્થળે પહોંચેલા ટ્રક માલિકે જણાવ્યું હતું કે તેને પણ ખબર નથી કે તેનો ટ્રક કયા રૂટ પરથી અને કયા હેતુથી જઈ રહ્યો હતો. આ નિવેદનથી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાની ગંભીર બેદરકારી અને દેખરેખના અભાવની હકીકત સામે આવી છે.
શહેરવાસીઓની માંગ છે કે ઓવરલોડ ટ્રકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, નંબર પ્લેટ વિનાના વાહનોને તાત્કાલિક જપ્ત કરવામાં આવે અને ટ્રાફિક પોલીસ જાહેરનામાનો કડક અમલ કરે. નહીં તો આવા બેફામ ટ્રકોના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર પર રહેશે.
