Friday, January 30, 2026
HomeRajkotઉપલેટામાં વિકાસની પોલ ખુલ્લી: નવા બનેલા રોડમાં ડમ્પર ગરકાવ, તંત્ર સામે ગંભીર...

ઉપલેટામાં વિકાસની પોલ ખુલ્લી: નવા બનેલા રોડમાં ડમ્પર ગરકાવ, તંત્ર સામે ગંભીર સવાલો


ઉપલેટામાં વિકાસની પોલ ખુલ્લી: નવા બનેલા રોડમાં ડમ્પર ગરકાવ, તંત્ર સામે ગંભીર સવાલો

ઉપલેટા (રાજકોટ): રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિકાસકાર્યોની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ઉપલેટાના કોલકી રોડ પર, પોલીસ સ્ટેશનની સામે જ, ડામર ભરેલું તોતિંગ ડમ્પર નવા બનતા રોડમાં અચાનક ગરકાવ થઈ ગયું, જેના કારણે તંત્રની બેદરકારી ખુલ્લી પડી ગઈ છે.

આ રોડનું હજુ થોડા સમય પહેલા જ ખાતમુહૂર્ત થયું હતું અને કામ શરૂ થતાની સાથે જ રસ્તો બેસી જતા તેની ગુણવત્તા સામે સવાલો ઊઠ્યા છે. ભૂગર્ભ ગટર અને નલ સે જલ યોજનાના ખોદકામ બાદ યોગ્ય રીતે પુરાણ ન કરાતા જમીન પોચી રહી ગઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

🚨 બેરિકેડ્સ અને સાઈનબોર્ડના અભાવે અકસ્માત

રસ્તા પર કોઈપણ બેરિકેડ્સ કે ચેતવણી આપતા સાઈનબોર્ડ ન હોવાથી આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી.

આશ્ચર્યજનક વાત એ છે કે પોલીસ સ્ટેશનની સામે જ ઘટના બની હોવા છતાં ટ્રાફિક હળવો કરવા કોઈ અધિકારી ડોકાયું નહીં, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો.

🎙️ અધિકારીઓ જવાબ આપવાથી બચ્યા

ઘટનાની જાણ થતાં ચીફ ઓફિસર સ્થળ પર પહોંચ્યા, પરંતુ મીડિયાના આકરા સવાલો સામે સંતોષકારક જવાબ આપવાનું ટાળ્યું, જેના કારણે શંકા વધુ ઘેરી બની છે.

⚠️ ભૂકંપના ડર વચ્ચે બેદરકારી

એક તરફ જિલ્લામાં સતત ભૂકંપના આંચકાઓથી લોકોમાં ભયનો માહોલ છે, ત્યારે બીજી તરફ નેતાઓ અને તંત્ર પ્રજાની મુશ્કેલી છોડી ઉત્સવો અને રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાની ચર્ચા જોર પકડી રહી છે.

🚜 ભારે જહેમત બાદ ડમ્પર બહાર કાઢાયું

અંતે ડમ્પરને ખાલી કરી બે જેસીબી મશીનોની મદદથી ભારે જહેમત બાદ રસ્તામાંથી બહાર કાઢવામાં આવ્યું, ત્યારબાદ ટ્રાફિક ધીમે ધીમે સામાન્ય બન્યો.

સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો છે. લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ઉપલેટામાં વિકાસકાર્યોની હાલત “અંધેરી નગરી ગંડુ રાજા” જેવી બની ગઈ છે, જ્યાં વિકાસના નામે માત્ર વેઠ ઉતારવામાં આવી રહી છે.


RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments