ઓડિશા: રૌરકેલા નજીક નાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ, પાયલટ સહિત 6 લોકો ઘાયલ
ઓડિશાના રૌરકેલા વિસ્તારમાં આજે એક નાના ચાર્ટર્ડ વિમાનને ટેકનિકલ ખામીના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. લેન્ડિંગ દરમિયાન વિમાન ક્રેશ થતાં પાયલટ સહિત કુલ 6 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ આ 9 સીટર ખાનગી વિમાન રૌરકેલાથી ભુવનેશ્વર જઇ રહ્યું હતું. ઉડાન બાદ થોડા સમયમા જ વિમાનમાં તકનીકી ખામી સર્જાતા પાયલટે તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન રૌરકેલા નજીકના જંગલ વિસ્તારમાં વિમાન ક્રેશ થયું.
દુર્ઘટનામાં પાયલટ, ક્રૂ સભ્યો અને મુસાફરોને ઈજાઓ પહોંચી છે. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. રાહતની વાત એ છે કે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ, પોલીસ અને વહીવટી તંત્રની ટીમો સ્થળ પર પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. વિમાન દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
