ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીને અનુસરીને આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. સવારે પોરબંદર જિલ્લામાં વરસાદ વરસ્યા બાદ બપોર પછી રાજકોટ, જામનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કમોસમી વરસાદી માહોલ સર્જાયો હતો.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શિયાળાની ઋતુમાં અચાનક વરસાદ પડતાં વાતાવરણ બદલાઈ ગયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. ખાસ કરીને ચેલા-ચાંગા અને આસપાસના ગામોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.
રાજકોટ જિલ્લામાં પડધરી તાલુકાના અનેક ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. જીવાપર, વિસામણ, પીઠડીયા, ખાખરા, જીલરીયા, ડાંગરા અને ફતેપર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાતાં ખેડૂતોની ચિંતા વધી છે. ભર શિયાળે વરસાદ પડવાથી જીરું, ઘઉં સહિતના શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
કચ્છ જિલ્લામાં ભુજ તાલુકાના ભીરંડીયારા વિસ્તારમાં ભારે કમોસમી વરસાદ થયો હતો. ભુજ-ખાવડા નેશનલ હાઇવે પર પાણી વહી નીકળતાં વાહન વ્યવહારને અસર પહોંચી હતી. કમોસમી વરસાદને કારણે લોકો પલળતા હાલાકી ભોગવવી પડી હતી. આગામી બે દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા હોવાથી બીમારીઓમાં વધારો થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કમોસમી વરસાદે હાજરી આપી છે. યાત્રાધામ દ્વારકામાં ઝરમર વરસાદ વરસતા શ્રદ્ધાળુઓને મુશ્કેલી પડી હતી. ઓખા અને બેટ દ્વારકામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. કમોસમી વરસાદના કારણે ખેડૂતો સાથે સાથે યાત્રિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
