ગોંડલ | છેલ્લા થોડા દિવસોથી કોટડા સાંગાણી પંથકમાં દેખાઈ રહેલી સિંહણને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. વન વિભાગની ટીમ દ્વારા કોટડા સાંગાણી તાલુકાના શોળીયા ગામેથી સિંહણનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
વન વિભાગના અધિકારીઓ મુજબ, સિંહણને રેસ્ક્યુ કર્યા બાદ તાત્કાલિક વન વિભાગના હેલ્થ સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં પશુચિકિત્સકો દ્વારા તેના આરોગ્યની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે. આરોગ્ય તપાસ બાદ સિંહણને યોગ્ય જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી કોટડા સાંગાણી તાલુકાના વિવિધ ગામોમાં સિંહણની હાજરી જોવા મળી રહી હતી, જેમાં કેટલાક પશુઓના માળણ (શિકાર) થયાના બનાવો પણ સામે આવ્યા હતા. જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
વન વિભાગ દ્વારા સ્થાનિક લોકોને સાવચેતી રાખવા અને જંગલ વિસ્તાર તરફ અનાવશ્યક અવરજવર ટાળવા અપીલ કરવામાં આવી હતી. સિંહણના રેસ્ક્યુ બાદ હાલ ગ્રામજનોને રાહત મળી છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું વન વિભાગે જણાવ્યું છે.
