દેશના વિકાસમાં ગરીબ, યુવાન, અન્નદાતા અને નારી (GYAN) – આ ચાર જાતિઓનો વિકાસ જ ભારતને મજબૂત બનાવશે. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા
૦૦૦
પોરબંદર જિલ્લામાં પદાધિકારી ઓ અને અધિકારીઓ તરીકે મહિલાઓનું વર્ચસ્વ વધી રહ્યું છે, જે ગૌરવની વાત છે. જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી
મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં મહિલા સશક્તિકરણ અંગે સંદેશ – વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ને સહાય વિતરણ, મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ.
ગોસા(ઘેડ) તા.૦૯/૦૩/૨૦૨૬
પોરબંદર શહેરના તાજાવાલા હોલ ખાતે ૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય મહિલા સંમેલન યોજાયું હતું. “Rights, Justice, Action for All Women and Girls” થીમ આધારિત આ કાર્યક્રમ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય તથા જિલ્લા વહીવટી તંત્ર પોરબંદરના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના વન-પર્યાવરણ, વિજ્ઞાન-પ્રોદ્યોગિકી તથા ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીશ્રીએ મહિલાઓને ‘શક્તિ સ્વરૂપા’ ગણાવી શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે દીકરીઓને સુરક્ષા માટે નાના ભાઈ સાથે જ બહાર મોકલવામાં આવતી હતી, પરંતુ આજે સમય બદલાયો છે અને મહિલાઓ દરેક ક્ષેત્રમાં નેતૃત્વ કરી રહી છે. પોલીસ, વન વિભાગ, શિક્ષણ, વેપાર-ઉદ્યોગ, તબીબી અને કાનૂની ક્ષેત્ર સહિત અનેક ક્ષેત્રોમાં મહિલાઓ સફળતાપૂર્વક કાર્ય કરી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી મહિલાઓ માટે વિવિધ વિભાગોમાં નોકરીમાં અનામતની શરૂઆત થઈ હતી. પંચાયતી રાજમાં અનામતને કારણે મહિલાઓ નેતૃત્વ કરી રહી છે અને લોકસભા-વિધાનસભામાં અનામતનો ઐતિહાસિક નિર્ણય પણ લેવાયો છે, જે મહિલાઓની ભાગીદારી વધારશે. અંતમાં તેમણે મહિલાઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની અપીલ કરી અને દેશના વિકાસ માટે ગરીબ, યુવાન, અન્નદાતા અને નારી (GYAN) ના વિકાસને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ પરબત ભાઈ પરમારે નારી શક્તિના મહિમાનું વર્ણન કરતા જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી હંમેશા શક્તિનું પ્રતિક રહી છે. તેમણે રામાયણ અને મહાભારતના ઉદાહરણો આપી મા સીતાની સહનશીલતા, દ્રૌપદીના સ્વાભિમાન અને મીરાબાઈની ભક્તિનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ રાણી લક્ષ્મીબાઈ અને જીજાબાઈ જેવી વીર નારીઓનું સ્મરણ કરી જણાવ્યું કે મહાન યોદ્ધાઓનું ઘડતર પણ નારી દ્વારા જ થાય છે.
જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ મહિલાઓની વિવિધ ક્ષેત્રોમાં વધતી ભાગીદારીની પ્રશંસા કરી હતી અને મહિલાઓને આત્મરક્ષા માટે સજ્જ થવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે સમાજમાં મહિલાઓના સન્માન અને સુરક્ષા માટે પુરુષોએ પણ પોતાની જવાબદારી નિભાવવાની અપીલ કરી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારીએ જણાવ્યું કે સ્ત્રી માત્ર ઘરની જ્યોત નથી પરંતુ સમાજનું મહત્વપૂર્ણ અંગ છે. તેમણે ‘મહિલા’ શબ્દનું અર્થઘટન કરતા જણાવ્યું કે ‘મ’ એટલે મહેનતુ, ‘હિ’ એટલે હિંમતવાન અને ‘લા’ એટલે લાજવાબ. તેમણે ‘બેટી બચાવો-બેટી પઢાવો’, ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ અને ‘લખપતિ દીદી’ જેવી મહિલાલક્ષી યોજનાઓ અંગે પણ માહિતી આપી અને મહિલાઓને આત્મરક્ષા તાલીમ લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમની શરૂઆત જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીએ મહાનુભાવોના સ્વાગત સાથે કરી હતી. મંત્રીએ કાર્યક્રમ સ્થળે ડિજિટલ સેફ્ટી અને સાયબર સેફ્ટી, ડિજિટલ લિટરેસી, ICDS પોષણ, સખી વન સ્ટોપ, લીડ બેંક, વહાલી દીકરી યોજના, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તથા ૧૮૧ અભ્યમ્ હેલ્પલાઇનના સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે વહાલી દીકરી યોજના, મહિલા ઉદ્યમી, બાલિકા પંચાયત, ગંગા સ્વરૂપા યોજના સહિત સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક કે.એલ. સુતરીયા, કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, મામલતદાર ભરત સંચાણીયા, સિવિલ સર્જન દિવ્યાબેન, અગ્રણી ગોપાલભાઈ કોઠારી સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન પૂજાબેન રાજા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સંકલનમાં મહિલા અને બાળ વિકાસ કચેરીની સંધ્યાબેન જોશી અને તેમની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી જ્યારે આભારવિધિ દહેજ પ્રતિબંધક અધિકારી પી.પી. જાદવ દ્વારા કરવામાં આવી હતી.
રિપોર્ટર: વિરમભાઈ કે. આગઠ
