શિયાળાની ઋતુમાં ઘીનો ઉપયોગ વધતો હોવાથી ગ્રાહકોએ બહારથી ઘી ખરીદતા સમયે ખાસ સાવચેત રહેવાની જરૂર છે. રાજ્યમાં ફરી એકવાર શંકાસ્પદ ઘી બનાવવાના મામલાનો પર્દાફાશ થયો છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલી ચંડીસર GIDCમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોડી રાત્રે અચાનક દરોડા પાડ્યા હતા. વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે અધિકારીઓએ એક ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી, જ્યાં નકલી અથવા શંકાસ્પદ રીતે ઘી બનાવાતું હોવાની શંકા હતી.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ ફેક્ટરી પર પહોંચતા જ ફેક્ટરીનો માલિક ફરાર થઈ ગયો, જેનાથી શંકા વધુ ઘેરાઈ ગઈ છે. તપાસ દરમિયાન શંકાસ્પદ સામગ્રી, કાચો માલ અને સાધનો મળ્યા હોવાની માહિતી છે. વિભાગ દ્વારા ઘીના નમૂનાઓ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
હાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને રિપોર્ટના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાને લઈ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે અને ગ્રાહકોમાં ચિંતા જોવા મળી રહી છે.
