સુરતઃ છેતરપિંડીના કેસમાં 8 વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીઓ ઝડપાયા
સુરતમાં છેતરપિંડીના એક ગંભીર કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. છેલ્લા 8 વર્ષથી ફરાર રહેલા બે વોન્ટેડ આરોપીઓને પોલીસે ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ લાંબા સમયથી પોલીસની નજરમાંથી બચવા માટે અલગ- અલગ સ્થળે નાસતા ફરતા હતા.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ નોકરી અપાવવાના બહાને એક વ્યક્તિ પાસેથી કુલ રૂ. 1 લાખ 97 હજારની છેતરપિંડી કરી હતી. ફરિયાદ બાદ કેસ નોંધાયો હતો, પરંતુ આરોપીઓ સતત ફરાર રહ્યા હતા.
ગુપ્ત માહિતીના આધારે પોલીસે ઉત્તર પ્રદેશમાં કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને કેસ સંદર્ભે વધુ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
