સુરતના સરથાણા વિસ્તારમાં પાટીદાર સમાજની સગીરાનું અપહરણ થતાં ભારે ચકચાર મચી છે. કેસની તપાસમાં સરથાણા પોલીસની ઢીલી કામગીરી સામે આવતાં આખરે તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
આ મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત કડક મૂડમાં આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે. તેમની તરફથી સરથાણા પીઆઈને આકરા શબ્દોમાં ફટકાર લગાવવામાં આવી હોવાની ચર્ચા છે. કમિશનરે તાત્કાલિક ધોરણે અપહરણ કેસની સમગ્ર ફાઈલ અને તપાસના દસ્તાવેજો ક્રાઈમ બ્રાન્ચને સોંપવાનો આદેશ કર્યો છે.
સગીરાને શોધવામાં તેમજ આરોપીની ધરપકડ કરવામાં સરથાણા પોલીસ નિષ્ફળ નીવડતાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. સાથે જ પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા કરાયેલી રજૂઆત બાદ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
