રાજકોટ: મોબાઈલ વિક્રેતાઓ પર GST વિભાગની મોટી કાર્યવાહી
રાજકોટ શહેરમાં મોબાઈલના વેપાર સાથે સંકળાયેલા વિક્રેતાઓ સામે GST વિભાગે વ્યાપક તપાસ શરૂ કરી છે. વિભાગ દ્વારા શહેરના વિવિધ મોબાઈલ શોરૂમ અને દુકાનોમાં બીલ વગર મોબાઈલ વેચાણ થતું હોવાની શંકાના આધારે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) તેમજ સ્ટોકની વિગતવાર તપાસ કરવામાં આવી છે.
GST વિભાગે મોબાઈલ વેચાણના બિલ, ખરીદી-વેચાણ સંબંધિત દસ્તાવેજો અને અન્ય મહત્વપૂર્ણ સાહિત્ય હસ્તગત કર્યું છે. માર્ચ એન્ડીંગ પહેલા ટેક્સ ચોરી સામે કડક કાર્યવાહી રૂપે આ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા 24 કલાકથી વધુ સમયથી આ કાર્યવાહી ચાલુ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
તપાસના અંતે મોબાઈલ વિક્રેતાઓ પાસેથી મોટા પ્રમાણમાં GST વસૂલાત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ, કરચોરી કરતા અન્ય વેપારીઓમાં પણ GST વિભાગની કાર્યવાહીથી ફફડાટ ફેલાયો છે, તેવી માહિતી સૂત્રોમાંથી મળી છે.
