📰 રાજકોટ વાઇબ્રન્ટ ગુજરાaત રીજનલ સમિટમાં AAI પવેલિયન મુલાકાતીઓનું આકર્ષણ બન્યું
રાજકોટમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ દરમિયાન એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા તૈયાર કરાયેલ પવેલિયનને મુલાકાતીઓ તરફથી વિશેષ પ્રતિસાદ મળી રહ્યો છે. એક્ઝિબિશન વિસ્તારમાં બનાવાયેલા આ પવેલિયનમાં રોજે રોજ મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
AAI પવેલિયનને આધુનિક એરપોર્ટ ટર્મિનલની કલ્પનાને આધારે તૈયાર કરવામાં આવ્યો છે. અહીં એરપોર્ટની કામગીરી, એર ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમ, મુસાફરોની સલામતી અને વિમાન સંચાલન સંબંધિત પ્રક્રિયાઓને સરળ અને દૃશ્યમાન રીતે રજૂ કરવામાં આવી છે. વર્ચ્યુઅલ રિયાલિટી અને ઇન્ટરએક્ટિવ ડેમો દ્વારા મુલાકાતીઓને હવાઈ ક્ષેત્રનો જીવંત અનુભવ મળી રહ્યો છે.
પવેલિયનમાં ભારતના એવિએશન ક્ષેત્રમાં થઈ રહેલા વિકાસ અને ભવિષ્યની યોજનાઓ વિશે પણ માહિતી આપવામાં આવી રહી છે. નવા એરપોર્ટોના નિર્માણ, હવાઈ કનેક્ટિવિટી વધારવા માટેની યોજનાઓ અને ટેકનોલોજીના ઉપયોગ અંગે મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓ માટે આ પવેલિયન ખાસ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. એરપોર્ટ મેનેજમેન્ટ, ટેકનિકલ સેવાઓ, એર ટ્રાફિક કન્ટ્રોલ અને એવિએશન એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં કારકિર્દીની તકો વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેના કારણે યુવાનોમાં હવાઈ ઉદ્યોગ પ્રત્યે રસ વધતો જોવા મળી રહ્યો છે.
વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ દરમિયાન AAI પવેલિયન નવીનતા, માહિતી અને અનુભવનું અનોખું સંયોજન બની ગયું છે અને રાજકોટમાં યોજાયેલી આ સમિટની વિશેષ ઓળખ રૂપે ઉભરી આવ્યું છે.
