Friday, January 30, 2026
HomePoliticalરાજકોટ લોધિકા સંઘના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણીની નિમણૂક, રાજકીય...

રાજકોટ લોધિકા સંઘના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણીની નિમણૂક, રાજકીય ચર્ચાઓ તેજ

🟠 રાજકારણ | રાજકોટ
રાજકોટ લોધિકા સંઘના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણીની નિમણૂક, રાજકીય ચર્ચાઓ તેજ
રાજકોટ લોધિકા સંઘના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણીની નિમણૂક કરવામાં આવી છે. વર્તમાન પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા 25 દિવસની રજા લેવામાં આવતા સંગઠનમાં તાત્કાલિક વ્યવસ્થા તરીકે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. નરેન્દ્રસિંહ જાડેજા રજા ઉપર જતા જ સંગઠન દ્વારા અરવિંદ રૈયાણીને ઇન્ચાર્જ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે.
આ સાથે અરવિંદ રૈયાણીને ભાજપ પ્રદેશ કારોબારી સમિતિના સભ્ય તરીકે પણ સ્થાન આપવામાં આવ્યું છે, જેના કારણે તેમની રાજકીય ભૂમિકા વધુ મજબૂત બની છે. લોધિકા સંઘના ઇતિહાસમાં અગાઉ પ્રમુખો લાંબી રજા ઉપર ગયા હોવા છતાં કોઈને ઇન્ચાર્જ પ્રમુખ બનાવવામાં આવ્યા નથી, તેવા સંજોગોમાં આ વખતનો નિર્ણય વિશેષ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
અરવિંદ રૈયાણીને ઇન્ચાર્જ પ્રમુખ બનાવાતા સંગઠનમાં નવાજૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે. સાથે જ આ નિમણૂકને લઈને રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા અનુભવી અને જુના નેતાઓને મહત્વની જવાબદારી આપવામાં આવી રહી હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે.
આ દરમિયાન ધારાસભ્ય ઉદય કાનગડ અંગે અરવિંદ રૈયાણીએ મૌન તોડતાં જણાવ્યું હતું કે, “ચૂંટણી દરમિયાન ઉદય કાનગડે કાર્યકર્તા તરીકે મને પૂરતો સહકાર આપ્યો હતો અને મેં પણ ઉદયભાઈને સહકાર આપ્યો છે. સંગઠનના કામમાં અમે બધા એક છીએ.” તેમના આ નિવેદનથી સંગઠનમાં એકતાનો સંદેશ આપવાનો પ્રયાસ થયો હોવાનું માનવામાં આવે છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા લેવાયેલા આ નિર્ણયને ભાજપની વ્યૂહરચનાના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં લોધિકા સંઘમાં વધુ રાજકીય હલચલ જોવા મળશે તેવી શક્યતા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments