ભારત–ન્યુઝીલેન્ડ મેચ માટે રાજકોટ પોલીસ સંપૂર્ણ સજ્જ, 1200થી વધુ પોલીસ બંદોબસ્ત
રાજકોટમાં આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાનારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચને લઈને જિલ્લા પોલીસ તંત્ર હાઈ અલર્ટ પર છે. આ સંદર્ભે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પ્રેસ કોન્ફરન્સ યોજી સુરક્ષા, ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થાની વિગતવાર માહિતી આપી હતી.
પંચાયત વિભાગ દ્વારા દર્શકો માટે કુલ 7 પાર્કિંગ સ્થળોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 5000 ફોર વ્હીલ અને 5000 ટુ વ્હીલ વાહનો પાર્ક કરી શકાશે. પાર્કિંગનો ચાર્જ પંચાયત દ્વારા વસુલવામાં આવશે. ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે રાજકોટ–જામનગર રોડ પર આવતીકાલે ભારે વાહનો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જ્યારે નવા 150 ફૂટ રોડ તથા પડધરી તરફથી વાહનચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
મેચ દરમિયાન સ્ટેડિયમ તેમજ આસપાસના વિસ્તારોમાં CCTV કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમમાં પ્રતિબંધિત વસ્તુઓ લઈ જવાની મનાઈ રહેશે. ચોરી જેવી ઘટનાઓ અટકાવવા માટે ખાસ 5 ટીમો બનાવવામાં આવી છે, જે સ્ટેડિયમ વિસ્તારમાં સક્રિય રહેશે.
ટિકિટ કાળા બજારી તેમજ ઓનલાઈન ટિકિટ કૌભાંડ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. સુરક્ષા બંદોબસ્તમાં 1 SP, 3 ASP, 4 DYSP, 14 PI, 42 PSI સહિત 700થી વધુ પોલીસ કર્મચારીઓ ફરજ પર રહેશે, જ્યારે કુલ 1200થી વધુ પોલીસ સ્ટાફ મેચ દરમિયાન હાજર રહેશે.
રાજકોટમાં યોજાનારી આ મહત્વપૂર્ણ મેચને લઈને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે દર્શકોને સુરક્ષિત અને વ્યવસ્થિત માહોલ મળે તે માટે પોલીસ સંપૂર્ણ રીતે સતર્ક છે.
