રાજકોટના સંત કબીર રોડ વિસ્તારમાં આવેલ ગોકુલ પાન વાડી શેરીમાં આજે બપોરે અચાનક આગ લાગતાં સ્થાનીક રહેવાસીઓ તેમજ દુકાનદારોમાં દોડધામ મચી ગઇ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, શેરીમાં આવેલ બંગડીનું કારખાનું આગની ઝપેટમાં આવ્યું હતું. કારખાનાના અંદર કામ ચાલતું હોવાથી થોડી જ વારમાં ધૂમાડાના ગોટેગોટા સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયા હતા. આગના જોરદાર કાળા ધુમાડા દૂર સુધી દેખાતા લોકો ઘટનાસ્થળ તરફ દોડી આવ્યા હતાં.
આગ લાગ્યાની જાણ થતા રાજકોટ ફાયર બ્રિગેડની અનેક ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા લગભગ દોઢ કલાક સુધી સતત પ્રયાસો બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે કારખાનાના અંદરની સામગ્રી સંપૂર્ણ રીતે બળી ખાખ થઇ ગઇ હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાની ન થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે, જે સ્થાનિકો માટે રાહતજનક બાબત છે.
આગના ચોક્કસ કારણો હજુ બહાર આવ્યા નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ ઈલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેકનિકલ ખામી આગનું કારણ બની હોઈ શકે છે. ફાયર વિભાગ દ્વારા સ્થળનું પંચનામું કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક લોકોએ આગની ઘટનાને પગલે સુરક્ષા વ્યવસ્થાઓ વધારવા તથા શેરીમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતતા લાવવાની માંગ કરી છે.
Visit Rajkot News
