રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાની ઘટનાને પગલે અનેક પરિવારોને ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ આ વિસ્તારના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ પીડિત પરિવારોની વ્હારે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો જાતે જ સર્વે કર્યો હતો. ધારાસભ્યએ આગથી અસરગ્રસ્ત પરિવારો સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ અને જરૂરીયાતો અંગે રજૂઆતો સાંભળી હતી.
આ દરમિયાન ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે માનવતાના અભિગમ સાથે 15 પીડિત પરિવારોને પ્રતિ પરિવાર પાંચ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી હતી, જેથી આગથી થયેલા નુકસાનમાં તાત્કાલિક રાહત મળી શકે. સાથે જ તેમણે સ્થાનિક તંત્રને અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાય અને સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ કરાવવાની સૂચનાઓ પણ આપી હતી.
થોરાળા વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મોટી સંખ્યામાં રહેતા હોવાથી ધારાસભ્યએ આગ જેવી આપત્તિ વખતે સરકાર અને પ્રશાસન તેમની સાથે છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પીડિત પરિવારો દ્વારા ધારાસભ્યની સહાય અને સંવેદનશીલતા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
