રાજકોટમાં કાર પાર્કિંગ મુદ્દે બોર્ડ ઉખેડવાની ઘટના, જાહેર સંપત્તિ અંગે ઉઠ્યા સવાલ
રાજકોટ શહેરમાં કાર પાર્કિંગને લઈને જાહેર સંપત્તિ સાથે ચેડાં થયાની ઘટના સામે આવી છે. MLA GUJARAT લખેલી મર્સિડીઝ કાર પાર્ક કરવા માટે એક શખ્સે રાજકોટ મહાનગર પાલિકાનું બોર્ડ હટાવી દીધું હોવાનો વીડિયો સામે આવ્યો છે, જેના કારણે શહેરમાં ચર્ચા જાગી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રસ્તા પર લગાવાયેલ કોર્પોરેશનનું બોર્ડ કાર પાર્ક કરવામાં અડચણરૂપ બનતું હોવાથી મર્સિડીઝ કાર રોકાઈ હતી. બાદમાં કારમાંથી ઉતરેલા શખ્સે આજુબાજુ નજર ફેરવી અને બોર્ડને બળજબરીથી ઉખેડવાનો પ્રયાસ કર્યો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે.
જાહેર માર્ગ પરના સૂચન બોર્ડ શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને નાગરિકોની સલામતી માટે લગાવવામાં આવે છે. આવી સ્થિતિમાં પોતાની વ્યક્તિગત સુવિધા માટે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવું નિયમવિરોધી ગણાય છે.
આ ઘટનાને લઈ હવે નાગરિકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે,
શું પોતાની કાર પાર્ક કરવા માટે કાયદા અને નિયમોને અવગણવાની છૂટ કોઈને મળી શકે?
અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર સામે તંત્ર શું પગલાં લેશે?
ફિલહાલ, આ મામલે મહાનગર પાલિકા કે પોલીસ તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
