News:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીને લઈને કરાયેલી ટિપ્પણીઓના મામલે હાઈકોર્ટે મહત્વનો અને કડક અભિગમ અપનાવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા બદનક્ષી કેસમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહને મોટો ઝટકો લાગ્યો છે.
કેસમાંથી પોતાને અલગ કરવાની અરવિંદ કેજરીવાલની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટનું માનવું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ કેસ ચલાવા યોગ્ય આધાર હાજર છે અને આ તબક્કે આરોપીઓ સામેની કાર્યવાહી રોકી શકાય નહીં. આ સાથે જ AAPના નેતા સંજય સિંહ દ્વારા કરવામાં આવેલી અરજીને પણ કોર્ટએ નામંજૂર કરી છે.
ગુજરાત યુનિવર્સિટીની દલીલ છે કે પ્રધાનમંત્રીની ડિગ્રી અંગે જાહેર મંચ પરથી કરવામાં આવેલા નિવેદનોને કારણે યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે અને ભ્રામક વાતો ફેલાઈ છે. હાઈકોર્ટે યુનિવર્સિટીની દલીલોને ગંભીરતાથી લઈ કેસ આગળ વધારવાનો નિર્ણય કર્યો છે.
આ ચુકાદા બાદ હવે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને કાનૂની રીતે બદનક્ષી કેસનો સામનો કરવો પડશે. કાનૂની જાણકારો મુજબ હાઈકોર્ટનો આ નિર્ણય જાહેર જીવનમાં જવાબદારીપૂર્વક નિવેદન આપવાની ફરજને વધુ મજબૂત બનાવે છે.
