ઓડદર ગામની મહેર સમાજ ની બે દીકરીઓ CISF અનેp BSFમાં દેશસેવામાં જોડાઈ
CISFમાં પસંદ થયેલી જયાબેન ઓડેદરા અને BSFમાં પસંદ થયેલી ઢેલીબેન ઓડેદરા – ઓડદર ગામની ગૌરવભરી દીકરીઓ
ગોસા(ઘેડ) તા.૧૮/૦૧/૨૦૨૬
પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારમાં પોરબંદર–સોમનાથ રોડ પર આવેલ ગુરૂ ગોરક્ષનાથના બેસણા ધરાવતું ઓડદર ગામ આજે ગૌરવની લાગણી અનુભવી રહ્યું છે. ગામના સામાન્ય અભણ ખેડૂત મહેર સમાજના પરિવારમાં જન્મેલી બે દીકરીઓએ નાનપણથી જોયેલા દેશસેવાના સપનાઓને સાકાર કરી કેન્દ્રીય સુરક્ષા દળોમાં જોડાઈ સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે.
ઓડદર ગામના અરશીભાઈ હાજાભાઈ ઓડેદરા તથા ભીમાભાઈ સુકાભાઈ ઓડેદરા બંને સામાન્ય ખેડૂત છે, જે ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અભણ હોવા છતાં તેમના સંસ્કારી સંસ્કારોથી સંતાનો તેજસ્વી અને દેશભક્ત બન્યા છે.
અરશીભાઈ હાજાભાઈ ઓડેદરા પરિવારના ધર્મ પત્ની રાણીબેન તથા સંતાનોમાં પુત્ર દિનેશભાઈ તથા પુત્રી જયાબેન છે. જયાબેન ઓડેદરાએ પોરબંદરની ડો. વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. દેશસેવાની ભાવનાને સાકાર કરવા તેમણે રાજકોટ સ્થિત પોપ્યુલર ડિફેન્સ એકેડેમીમાં એક્સ આર્મી ટ્રેનર રાજેશભાઈ પાસેથી એક વર્ષ સુધી કઠોર પૂર્વ તાલીમ મેળવી હતી.
તે જ રીતે, ભીમાભાઈ સુકા ભાઈ ઓડેદરા પરિવારમાં પત્ની મંજુબેન એક પુત્ર અને ત્રણ પુત્રીઓ છે તેમાં પુત્રી ઢેલીબેન ઓડેદરાએ ગોઢાણીયા મહિલા કોલેજમાં અભ્યાસ દરમ્યાન એન.સી.સી. ઓફિસર શાંતિબેન ભૂતિયા પાસેથી નિયમિત ફિઝિકલ તથા શિસ્તબદ્ધ તાલીમ મેળવી હતી. બાળપણથી જ આર્મી કે પોલીસ દળમાં જોડાવાનો ધ્યેય રાખી બંને બહેનોએ સતત મહેનત અને સંઘર્ષ ચાલુ રાખ્યો હતો.
જયાબેન અરશીભાઈ ઓડેદરા અને ઢેલિબેન ભીમાભાઇ ઓડેદરા ના સંયોગ પણ કેવા! એક જ ગામ ઓડદરની દીકરીઓ અને એક કોલેજ માં ગ્રેજ્યુએટ કરી અને એક સાથે એક વિચાર ને ચરિતાર્થ પણ એક સાથે કરી દેશ સેવામાં પણ એક સાથે પરીક્ષાઓ પાસ કરી છે
તાજેતરમાં યોજાયેલી કેન્દ્રીય એજન્સીઓની ભરતી પ્રક્રિયામાં બંને બહેનોએ અમદાવાદ ખાતે BSF ગ્રાઉન્ડમાં યોજાયેલી દોડ, શારીરિક અને મેડિકલ પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરી ગૌરવભરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
જયાબેન અરશીભાઈ ઓડેદરાએ પ્રથમ પ્રયત્નમાં જ અઘરી ગણાતી CISFની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી, જ્યારે ઢેલીબેન ભીમાભાઈ ઓડેદરાએ BSFમાં પસંદગી મેળવી ઓડદર ગામની પ્રથમ દીકરી તરીકે આર્મીમાં જોડાવાનો ઇતિહાસ રચ્યો છે.
આ સિદ્ધિ બદલ સમગ્ર ઓડદર ગામ, મહેર સમાજ, ગોઢાણીયા મહિલા કોલેજ પરિવાર તથા તાલીમ આપનાર તમામ માર્ગદર્શકોમાં ગૌરવ અને આનંદની લાગણી વ્યાપી છે. બંને બહેનોએ પોતાની સફળતા પાછળ માતા–પિતા, ભાઈઓ, ગોઢાણીયા કોલેજના એન.સી.સી. સ્ટાફ તથા રાજકોટના એક્સ આર્મી ટ્રેનર રાજેશભાઈના માર્ગદર્શન અને સહકારને શ્રેય આપ્યો છે.
ગોસા(ઘેડ) અમારા પ્રતિનિધિ વિરમભાઇ આગઠ એ લીધેલ એક મુલાકાતમાં દીકરીઓ એ શું પ્રતિભાવ આપ્યો
દીકરીઓ કહે છે…
જયાબેન અરશીભાઈ ઓડેદરા (CISF): “નાનપણથી જુડી પહેરી દેશ માટે કંઈક કરવાની ઈચ્છા હતી. આજે એ સપનું સાકાર થયું છે. મારા માતા–પિતા અને ગુરુજનોના આશીર્વાદ વગર આ શક્ય ન હતું.”
“જે દીકરીઓ હિંમત કરે છે, તેમના માટે કોઈ રસ્તો અઘરો નથી. ગામની દીકરી પણ દેશની સુરક્ષા કરી શકે છે—આ વિશ્વાસ આજે મજબૂત થયો છે.”
ઢેલીબેન ભીમાભાઈ ઓડેદરા (BSF):
“હું સામાન્ય ખેડૂત પરિવારની દીકરી છું, પણ સપના ક્યારેય નાના રાખ્યા નથી. દેશસેવા એ જ મારો ધ્યેય હતો. આજે મને ગર્વ છે કે હું સરહદે ઊભી રહી શકીશ.”
“આ મારી વ્યક્તિગત જીત નથી, આ દરેક ગામની દીકરીની જીત છે. જો મનમાં આગ હોય તો પરિસ્થિતિઓ આપોઆપ રસ્તો બનાવી આપે છે.”
“સપના મોટા હોય તો ગામની દીકરી પણ સરહદ સુધી પહોંચી શકે છે.”
આમ દેશસેવાના ધ્યેય સાથે મહેર સમાજની દીકરીઓએ આગળ વધીને સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે આગામી પેઢી માટે માર્ગદર્શક બની રહેશે. તેમજ આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમગ્ર ઘેડ વિસ્તાર અને મહેર સમાજ માટે ગૌરવ અને પ્રેરણાનો વિષય છે. દીકરીઓની આ જીત ભવિષ્યમાં અનેક યુવાનોને દેશસેવા તરફ પ્રોત્સાહિત કરશે.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ
