નેશનલ હેરાલ્ડ મામલે સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. તે જ કડીમાં રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા શહેરના શીતલ પાર્ક ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શીતલ પાર્ક ચોક તેમજ આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે કમલમ બેરીકેડ ગોઠવીને માર્ગ અવરોધ કર્યો હતો.
ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે કોઈ ઘર્ષણ ન થાય તે માટે પોલીસ સજાગ રહી હતી. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ કાર્યાલય તરફ કૂચ કરે તે પહેલા જ પોલીસે કોંગ્રેસના કાર્યકરોને અટકાયત કરી હતી.
અટકાયત દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ “હલા બોલ”ના નારા લગાવ્યા હતા તેમજ રામધૂન બોલાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈ વિસ્તારમાં તણાવભર્યું પરંતુ નિયંત્રિત માહોલ જોવા મળ્યો હતો.
