આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પોરબંદર જિલ્લાના વહીવટી તંત્રમાં મહિલાશક્તિનું તેજસ્વી યોગદાન
વહીવટ, પોલીસ, રમતગમત, કૃષિ અને વન વિભાગમાં ફરજ બજાવતી મહિલા અધિકારીઓ બની પ્રેરણાસ્ત્રોત
ગોસા (ઘેડ), તા. ૦૭ માર્ચ ૨૦૨૬:
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશ્વભરમાં મહિલાઓના યોગદાનને સન્માનિત કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં મહિલાને સદીઓથી શક્તિ, સંસ્કાર અને સર્જનશીલતાના પ્રતિક તરીકે માન આપવામાં આવ્યું છે. આજના સમયમાં મહિલાઓ શિક્ષણ, વહીવટ, રમતગમત, કૃષિ, ઉદ્યોગ અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરીને સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
પોરબંદર જિલ્લામાં પણ મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. સરકારી યોજનાઓ, શિક્ષણ અને સશક્તિકરણના પ્રયાસોથી જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભર બની વિકાસના માર્ગે આગળ વધી રહી છે. ખાસ કરીને વહીવટી તંત્રમાં ફરજ બજાવતી મહિલા અધિકારીઓ પોતાના કાર્યકુશળતા, દૃઢ નિષ્ઠા અને નેતૃત્વ દ્વારા સમાજમાં પ્રેરણાસ્ત્રોત બની રહી છે.
પોરબંદર જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર તરીકે કાર્યરત રેખાબા સરવૈયા રાજપૂત સમાજની પ્રથમ મહિલા એડિશનલ કલેક્ટર બનવાનો ગૌરવ પ્રાપ્ત કરી ચૂક્યા છે. તેઓએ B.Sc., M.Sc. તેમજ જર્નાલિઝમમાં માસ્ટર સુધીનું ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. વહીવટી જવાબદારીઓ સાથે તેઓ સાહિત્ય ક્ષેત્રે પણ સક્રિય છે. “રેત પર લખાયેલ અક્ષર”, “ખોબામાં દરિયો”, “ધબકતું શિલ્પ”, “આંખમાં આકાશ” અને “પ્રેમ અને પીડા” જેવા પુસ્તકો પ્રકાશિત કરી તેઓ પ્રતિભાશાળી સાહિત્યકાર તરીકે પણ જાણીતા બન્યા છે. તેમની કવિતા, વાર્તા અને લઘુકથાઓને અનેક પુરસ્કારો મળ્યા છે અને તેઓ આકાશવાણી રાજકોટ પર કેઝ્યુઅલ એનાઉન્સર તથા સ્ક્રિપ્ટ રાઇટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
પોરબંદર જિલ્લામાં હેડક્વાર્ટર ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા ઋતુબા રાબા વર્ષ ૨૦૧૮માં GPSC દ્વારા ડાયરેક્ટ ડીવાયએસપી તરીકે પસંદગી પામ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમની દૃઢતા અને નિષ્ઠા મહિલાઓ માટે આત્મવિશ્વાસનું પ્રતિક બની છે.
વન વિભાગમાં પણ મહિલાઓ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. પોરબંદર ફોરેસ્ટ ડિવિઝનમાં આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા રાજલબેન પાઠકએ B.Sc. (ઝૂલોજી) અને M.Sc. (વાઈલ્ડલાઈફ બાયોલોજી) સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. વર્ષ ૨૦૦૯થી ૨૦૧૪ દરમિયાન તેમણે વાઈલ્ડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી સાથે જોડાયેલા ઓલ ઇન્ડિયા ટાઈગર મોનિટરિંગ પ્રોજેક્ટમાં કામગીરી કરી હતી. વર્ષ ૨૦૧૪માં GPSC દ્વારા લેવાયેલી પરીક્ષા પાસ કરીને તેઓ ૨૦૧૬માં ગુજરાતની પ્રથમ મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે નિમાયા હતા.
પોરબંદર જિલ્લાના કુતિયાણા ખાતે પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા નેહા સોજીત્રાએ સિવિલ એન્જિનિયરિંગમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ GPSC પાસ કરીને વર્ષ ૨૦૧૮માં મામલતદાર તરીકે સેવા શરૂ કરી હતી. તેમની કાર્યકુશળતા અને સમર્પણને કારણે વર્ષ ૨૦૨૪માં તેમને નાયબ કલેક્ટર તરીકે પ્રમોશન મળ્યું હતું અને હાલ તેઓ પ્રાંત અધિકારી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.
જિલ્લા રમતગમત અધિકારી તરીકે ફરજ બજાવતા ડૉ. પ્રવીણા પાંડાવડરાએ B.P.Ed., M.P.Ed., M.Phil. અને PhD સુધીનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. જુડો રમતમાં તેમણે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા, જુડો જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ, ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી અને જુડો સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ જેવી અનેક રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. ખેલ મહાકુંભમાં જુડો સ્ટેટ ચેમ્પિયન બનવાની સિદ્ધિ પણ તેમણે મેળવી છે.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી તરીકે ફરજ બજાવતા હંસાબેન ટાઢાણી વર્ષ ૨૦૧૫માં GPSC દ્વારા વર્ગ–૨ તરીકે પસંદગી પામ્યા હતા. છેલ્લા બે વર્ષથી તેઓ પોરબંદર જિલ્લામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી વર્ગ–૧ તરીકે કાર્યરત છે અને મહિલા તથા બાળ કલ્યાણ માટેની વિવિધ સરકારી યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકી રહ્યા છે.
જિલ્લા બાગાયત અધિકારી કલ્પના જે. પંચાલએ B.Sc. (એગ્રીકલ્ચર) અને M.Sc. (હોર્ટિકલ્ચર) સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. વર્ષ ૨૦૦૯માં મદદનીશ બાગાયત નિયામક તરીકે સેવા શરૂ કરીને વર્ષ ૨૦૧૬માં નાયબ બાગાયત નિયામક તરીકે પ્રમોશન મેળવ્યું હતું. હાલ તેઓ ખેડૂતોને આધુનિક બાગાયત પદ્ધતિઓ અપનાવવા અને વધુ ઉત્પાદન મેળવવા માટે માર્ગદર્શન આપી રહ્યા છે.
તે જ રીતે આત્મા વિભાગના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા સીમા શર્મા જિલ્લાભરમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે સક્રિય પ્રયાસો કરી રહ્યા છે. ખેડૂતોને માર્ગદર્શન, તાલીમ અને વિવિધ કાર્યક્રમો દ્વારા તેઓ પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરી રહ્યા છે.
આ રીતે પોરબંદર જિલ્લાના વહીવટી તંત્રમાં ફરજ બજાવતી મહિલાઓ પોતાના કાર્યકુશળતા, સમર્પણ અને નેતૃત્વ દ્વારા માત્ર પોતાના ક્ષેત્રમાં જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહી છે. તેમના પ્રયત્નો મહિલાશક્તિના સશક્તિકરણ અને વિકાસના જીવંત ઉદાહરણ બની રહ્યા છે.
રિપોર્ટર: વિરમભાઈ કે. આગઠ
