News:
રાજકોટ શહેરની ઓળખ સમાન અને ધર્મેન્દ્ર રોડ પર આવેલી અંદાજે 100 વર્ષ જૂની ઐતિહાસિક સર લાખાજીરાજ શાક માર્કેટને નવેસરથી સંવારી આધુનિક સ્વરૂપ આપવા રાજકોટ મહાનગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલી આ માર્કેટના રિનોવેશન માટે મનપા દ્વારા જીએસટી સહિત અંદાજે રૂ. 6 કરોડથી વધુ રકમનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.
માર્કેટના વિકાસ દરમિયાન તેની ઐતિહાસિક ઓળખ અને હેરિટેજ લુક જાળવી રાખવા રેટ્રો ફિટિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. રિનોવેશન પૂર્ણ થયા બાદ માર્કેટમાં 148 શાકભાજીના થડા, 22 પાકી દુકાનો અને અંદાજે 20 વખાર બનાવાશે, જેથી વેપારીઓને વધુ સુવિધા મળશે.
ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા પછી મંજુર પ્રસ્તાવ સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવશે અને મંજૂરી મળ્યા બાદ કામ શરૂ કરાશે. મનપાના અંદાજ મુજબ સમગ્ર રિનોવેશન પ્રક્રિયા પૂર્ણ થવામાં આશરે 18 મહિનાનો સમય લાગશે. ત્યારબાદ રાજકોટવાસીઓને પોતાની જાણીતી લાખાજીરાજ શાક માર્કેટ નવા અને આકર્ષક સ્વરૂપમાં જોવા મળશે.
