લેઉવા પટેલ સમાજના સંગઠનને મજબૂત કરવા સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનોની બેઠક મળી

રાજકોટના ખોડલધામ ખાતે આજે સૌરાષ્ટ્રમા પાટીદાર આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠક પાછળ માત્ર લેઉવા પટેલ સમાજના સંગઠનને મજબૂત કરવાનો ઉદેશ હતો. આ બેઠક ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની આગેવાનીમાં મળી હતી. બેઠકમાં સૌરાષ્ટ્રના ભાજપ-કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા. ખોડલધામમાં મળેલી આ બેઠકમાં રાજકારણને લઈને કોઈ ચર્ચા કરવામાં આવી ન હોવાનું નરેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

બેઠક બાદ પાટીદાર આગેવાનો અને નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખોડલધામમાં આજે મળેલી બેઠકમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, ભાજપના નેતા ગોરધન ઝડફિયા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા સહિત ભાજપ-કોંગ્રેસના આગેવાનો અને સમાજના આગેવાનો હાજર રહૃાાં હતા.

નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખોડલધામમાં લેઉવા પટેલ સમાજના સામાજિક અને રાજકીય આગેવાનોની બેઠક મળી હતી. જેમાં સમાજલક્ષી ચર્ચાઓ થઈ હતી. લેઉવા પટેલ સમાજનું સંગઠન વધુને વધુ મજબૂત બનાવવા માટે આવી બેઠક દર ત્રણ મહિને મળે તેવું સુચન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે પરંતુ ચૂંટણી ચૂંટણીની જગ્યાએ હોય છે અને આ માત્ર સમાજલક્ષી બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં રાજકારણની કોઈ જ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી.