આજથી રાજકોટમાં એમ્સ મેડિકલ કોલેજની પ્રથમ બેન્ચ થશે શરૂ

રાજકોટમાં આગામી દિવસોમાં એઆઈઆઈએમએસની નિર્માણ થવાનું છે. જેને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તમામ મંજૂરીઓ આપી દેવામાં આવી છે. તેમજ હાલ એઇમ્સ માટેનું કામ પણ શરૂ થઈ ગયું છે. જ્યારે એઈમ્સ શરૂ થાય તે પહેલા જ સરકાર દ્વારા એઇમ્સ માટેની મેડિકલ કોલેજ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેના ભાગરૂપે સોમવારે એઇમ્સ માટેની પ્રથમ બેન્ચ શરૂ કરવામાં આવનાર છે. રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા આજે બપોરે ૧૨.૩૦ કલાકે એઆઈઆઈએમએસ રાજકોટ ખાતે એકેડેમિક સેશન ૨૦૨૦-૨૧નો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઈ-શુભારંભ કરવામાં આવનાર છે.

આ પ્રસંગે નવી દિલ્હીથી કેન્દ્રના આરોગ્ય રાજ્યપ્રધાન અશ્ર્વિની ચોબે ઓનલાઈનના માધ્યમથી સહભાગી થશે. જ્યારે રાજકોટથી સાંસદો, એઆઈઆઈએમએસ રાજકોટના ડાયરેક્ટર, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ જોડાશે.હાલ રાજકોટમાં એઈમ્સના નિર્માણનું કામ પરાપીપળીયા ખાતે જોરશોરથી શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજથી એઇમ્સ માટેની મેડિકલ કોલેજની પ્રથમ બેન્ચનો પણ શુભારંભ કરવામાં આવનાર છે.

જેને લઈને ચાલુ વર્ષે એટલે કે, વર્ષ ૨૦૨૦-૨૧ની બેંચમાં એમબીબીએસના ૫૦ વિદ્યાર્થીઓ જોડાશે. હાલમાં હંગામી રીતે એઆઈઆઈએમએસ રાજકોટને પીડીયુ મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ રાજકોટના કેમ્પસમાં શરૂ કરવામાં આવી છે. તેમજ આ મેડિકલ કોલેજ માટે ૧૭ જેટલા પ્રોફેસરોની પણ નિમણુંક કરવામાં આવી છે.