અમદાવાદની ત્રણ ખાનગી સ્કૂલો દ્વારા ફી વધારાની કરાયેલી અરજીને ફી રિવિઝન કમિટીએ ફગાવી દીધી છે. પરિણામે, આ શાળાઓએ વાલીઓ પાસેથી ઉઘરાવેલી વધારાની ફી પરત આપવી કે ભવિષ્યની ફીમાં એડજસ્ટ કરવી પડશે.
ફી રિવિઝન કમિટીના નિર્ણય મુજબ નારાયણપુરામાં આવેલી તપોવન સ્કૂલ, ગોધાવી સ્થિત ઝાયડસ સ્કૂલ અને ચાંદલોડિયાની સાકાર સ્કૂલનો સમાવેશ થાય છે. તપોવન સ્કૂલ માટે FRCએ 34,500થી 46,000 રૂપિયા ફી નક્કી કરી હતી, જ્યારે સાકાર સ્કૂલની ફી 30,800થી 46,800 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. ગોધાવી ઝાયડસ સ્કૂલ માટે 59,800થી 77,175 રૂપિયા ફી મંજૂર કરવામાં આવી હતી.
શાળાઓએ માંગ્યા મુજબની ફી મંજૂર ન થતાં રિવિઝન કમિટીમાં અરજી કરી હતી. જોકે, સુનાવણી અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ રિવિઝન કમિટીએ શાળાઓની અરજી ફગાવી દીધી. તપાસ દરમિયાન સામે આવ્યું કે શાળાઓએ અગાઉથી જ નક્કી કરેલી મર્યાદાથી વધુ ફી ઉઘરાવી હતી. હવે નિયમ મુજબ આ વધારાની રકમ વાલીઓને પરત આપવી અથવા તો આગામી ફીમાં સમાયોજિત કરવી ફરજિયાત બનશે.
