પરસ્પર સંમતિથી છૂટાછેડા મામલે ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય
પુનઃ મિલનની શક્યતા ન હોય તો કૂલિંગ પીરિયડ લાગુ નહીં
અમદાવાદ:
છૂટાછેડા સંબંધિત કેસોમાં મહત્વપૂર્ણ રાહત આપતો ચુકાદો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. હાઈકોર્ટએ જણાવ્યું છે કે પરસ્પર સંમતિથી છૂટાછેડા લેતા દંપતિઓ માટે કૂલિંગ પીરિયડ ફરજિયાત નથી. જો બંને પક્ષો વચ્ચે ફરીથી સાથે રહેવાની કોઈ સંભાવના ન હોય, તો કોર્ટ કાયદાની પ્રક્રિયામાં રાહ જોવાની શરત દૂર કરી શકે છે.
હાઈકોર્ટએ પોતાના અવલોકનમાં સ્પષ્ટ કર્યું છે કે લગ્ન સંબંધ સંપૂર્ણ રીતે તૂટીને ગયા હોય અને બંને પક્ષો સ્પષ્ટ નિર્ણય પર પહોંચ્યા હોય, ત્યારે માત્ર કાનૂની ઔપચારિકતા માટે દંપતિને રાહ જોવડાવવી યોગ્ય નથી. આવી સ્થિતિમાં વિલંબ ન્યાયના હેતુને નુકસાન પહોંચાડે છે તેમ પણ કોર્ટએ નોંધ્યું છે.
વર્ષ 2023ના લગ્ન બાદ છૂટાછેડાની અરજી
આ કેસમાં વર્ષ 2023માં લગ્ન કરેલા દંપતિએ પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. જોકે, ફેમિલી કોર્ટે કૂલિંગ પીરિયડનો આધાર લઈને અરજી નામંજૂર કરી હતી. ફેમિલી કોર્ટના આ નિર્ણયથી અસંતુષ્ટ દંપતિએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
હાઈકોર્ટએ ફેમિલી કોર્ટના આદેશને રદ કર્યો છે અને મામલો ફરીથી વિચારણા માટે ફેમિલી કોર્ટને પરત મોકલ્યો છે. હાઈકોર્ટએ આદેશ આપ્યો છે કે કેસની તમામ હકીકતો અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નવેસરથી નિર્ણય લેવામાં આવે.
ન્યાયિક પ્રક્રિયામાં માનવતા પર ભાર
હાઈકોર્ટના આ ચુકાદામાં ન્યાયિક પ્રક્રિયામાં માનવતાભર્યા અભિગમ પર ભાર મૂકવામાં આવ્યો છે. કોર્ટએ જણાવ્યું છે કે જ્યારે દંપતિ વચ્ચે સમાધાનની કોઈ શક્યતા બાકી ન રહે, ત્યારે કૂલિંગ પીરિયડ લાગુ કરવાનો આગ્રહ યોગ્ય નથી.
કાનૂની વર્તુળોમાં આ ચુકાદાને છૂટાછેડા સંબંધિત કેસોમાં એક મહત્વપૂર્ણ નઝીર તરીકે જોવામાં આવી રહ્યો છે. આ નિર્ણયથી ભવિષ્યમાં પરસ્પર સંમતિથી છૂટાછેડા લેતા દંપતિઓને ઝડપી ન્યાય મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
