ઘણા લોકો રોજિંદી નાની-નાની ખર્ચાળ આદતો પર ધ્યાન આપતા નથી, જેમાં સિગારેટ સૌથી મોટું ઉદાહરણ છે. પરંતુ આ આદત માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ ખિસ્સા માટે પણ ભારે સાબિત થાય છે. જો આ જ ખર્ચને રોકીને યોગ્ય જગ્યાએ રોકાણ કરવામાં આવે, તો ભવિષ્યમાં મોટી રકમ બનાવી શકાય છે.
હાલના સમયમાં જો કોઈ વ્યક્તિ રોજ 10 સિગારેટ પીવે છે, તો તે મહિને અંદાજે ₹7,000 થી ₹8,000 સુધીનો ખર્ચ કરે છે. એટલે કે વર્ષમાં ₹80,000 થી ₹90,000 જેટલી રકમ સીધી ધુમાડામાં ઉડી જાય છે. આ રકમ લાંબા ગાળે ખૂબ મોટી બની જાય છે.
જો આ જ રકમને રોકીને દર મહિને SIP (સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન)માં રોકાણ કરવામાં આવે અને સરેરાશ 12% વાર્ષિક રિટર્ન માનીએ, તો 10 વર્ષમાં લગભગ ₹15 લાખથી ₹20 લાખ સુધીનું ફંડ તૈયાર થઈ શકે છે. 15 વર્ષમાં આ રકમ ₹35-40 લાખ અને 20 વર્ષમાં ₹60-70 લાખ સુધી પહોંચી શકે છે.
આ ઉપરાંત, સિગારેટથી થતા રોગો માટે વધતા મેડિકલ ખર્ચ પણ બચી શકે છે. સામાન્ય રીતે દર મહિને ₹500 જેટલો ખર્ચ પણ જો બચાવી શકાય, તો લાંબા ગાળે લાખો રૂપિયાનું બચત થઈ શકે છે.
વિશેષજ્ઞોના મત મુજબ, કમ્પાઉન્ડિંગની શક્તિ લાંબા ગાળે નાની રકમને પણ મોટી સંપત્તિમાં ફેરવી શકે છે. એટલે કે આજે લેવાયેલો નાનો નિર્ણય ભવિષ્યમાં આર્થિક રીતે મજબૂત બનાવી શકે છે.
આખરે, નિર્ણય તમારો છે – રોજની કમાણી ધુમાડામાં ઉડાવવી કે એ જ પૈસાથી ભવિષ્ય માટે મજબૂત આર્થિક સુરક્ષા ઉભી કરવી.
