હૈદરાબાદ પોલીસે મોટા સાયબર ફ્રોડ કેસમાં ભાવનગરના બે ઈસમોની ધરપકડ કરી છે. આરોપીઓએ હૈદરાબાદમાં રહેતા એક વૃદ્ધ દંપતીને ‘ડિજિટલ અરેસ્ટ’ની ધમકી આપી 2.23 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોતાને કાયદા અમલકારી એજન્સીના અધિકારી તરીકે ઓળખાવી, આરોપીઓએ મની લોન્ડરિંગ કેસમાં નામ આવ્યાનું કહી દંપતીને ભયમાં મૂક્યા હતા.
પોલીસ મુજબ, આરોપીઓએ વીડિયો કોલ અને ફોન દ્વારા સતત દબાણ બનાવી, વૃદ્ધ દંપતીને વિવિધ બેંક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરાવી હતી. શંકા જતા દંપતીએ પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો સામે આવ્યો. ટેક્નિકલ તપાસના આધારે હૈદરાબાદ પોલીસે ભાવનગર સુધી પહોંચી બંને આરોપીઓને ઝડપી લીધા છે. હાલ બંને સામે સાયબર ક્રાઈમ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ પૂછપરછ ચાલી રહી છે. પોલીસે લોકોને ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ પ્રક્રિયા ન હોવાની સ્પષ્ટતા કરી સાયબર ઠગોથી સાવચેત રહેવા અપીલ કરી છે.
