BCA વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ માર્ગદર્શન વર્કશોપ : NEP–2020 મુજબ ડૉ. વિરમભાઇ ગોઢાણીયા IT કોલેજનું આયોજન
વાસ્તવિક IT અનુભવ, યુનિવર્સિટીની SOP તથા Honours–Research માર્ગો અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયુ
ગોસા(ઘેડ)
વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ શિક્ષણ માટે જાણીતી ડૉ. વિરમભાઇ રાજા ભાઇ ગોઢાણીયા આઇ.ટી. કોલેજ, પોરબંદર દ્વારા ગુજરાત સરકાર અને ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા નિર્ધારિત શૈક્ષણિક નિયમો તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP– 2020) અનુસાર ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ માર્ગદર્શન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્કશોપમાં વિદ્યાર્થીઓએ તેમના અભિપ્રાયો વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે ઇન્ટર્નશિપની શૈક્ષણિક– વ્યાવસાયિક સુસંગતતા, મૂલ્યાંકન પ્રક્રિયા, ઉચ્ચ અભ્યાસની તક, શિસ્ત, સમયપાલન તથા વ્યવહારુ જ્ઞાન જેવા મુદ્દાઓ વિશે મળેલ માર્ગદર્શન ખૂબ જ ઉપયોગી રહ્યું. સત્ર દરમિયાન યોજાયેલા ઇન્ટરેક્ટિવ પ્રશ્ન–જવાબમાં ફેકલ્ટી સભ્યોએ ઇન્ટર્નશિપ પ્લેસમેન્ટ અને ભવિષ્યની શૈક્ષણિક સંભાવનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી.
કોલેજના ડાયરેક્ટર ડૉ. ધવલ ખેર દ્વારા BCA વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ શા માટે જરૂરી છે તેના મુદ્દાઓ સમજાવવામાં આવ્યા. જેમાં વાસ્તવિક IT વાતાવરણનો અનુભવ, કાર્ય પૂર્ણ કરવાની પ્રક્રિયા, સમસ્યાનું નિરાકરણ, ટીમવર્ક, પ્રોજેક્ટ અમલીકરણ, રોજગારક્ષમતા, ઉચ્ચ અભ્યાસ માટેની તૈયારી તથા સૈદ્ધાંતિક અને ઉદ્યોગજરૂરિયાતો વચ્ચેના અંતરને દૂર કરવાનો મહત્ત્વપૂર્ણ હેતુ સમજાવવામાં આવ્યો.
સીનિયર અધ્યાપક ડો. નીરવ દત્તાણિ અને શ્રી પ્રિતેશ મદલાણી દ્વારા યુનિવર્સિટી દ્વારા નક્કી કરાયેલા ઇન્ટર્નશિપ SOP અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. તેમાં ઇન્ટર્નશિપનું સ્થાન, સમયગાળો, ક્રેડિટ માળખું, દૈનિક/સાપ્તાહિક રિપોર્ટિંગ, પ્રોજેક્ટ રિપોર્ટ, માર્ગદર્શક મૂલ્યાંકન, વાઇવા, પ્રેઝન્ટેશન તથા ઇન્ટર્નશિપ દરમ્યાન નૈતિક અને વ્યાવસાયિક આચરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
વધુમાં NEP–2020 હેઠળ રજૂ કરવામાં આવેલા ચોથા વર્ષના અભ્યાસના નવા વિકલ્પો — Honours અને Honours with Research વિશે પણ વિગતવાર માહિતી આપવામાં આવી. આ બંને વિકલ્પોની SOP યુનિવર્સિટી દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.વર્કશોપનું સફળ સંચાલન અધ્યાપક પરિક્ષિત મેહતા દ્વારા કરવામાં આવ્યું.
આ તકે ટ્રસ્ટના પ્રમુખ ડૉ. વિરમભાઇ ગોઢાણીયા તેમજ મેનેજમેંટે વિદ્યાર્થીઓને નવીનતા અને અભ્યાસમાં ઉત્તમતા મેળવવા પ્રેરણા આપી.
ચીફ રિપોર્ટર : વિરમભાઇ કે. આગઠ

