HomeLocal Newsસૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર એલર્ટ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર એલર્ટ

પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ અમરેલીરાજકોટ અને

ભાવનગર જિલ્લાના વહીવટી તંત્ર સાથે ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી

***************

મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ ભાવનગરના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિ
સૌરાષ્ટ્ર પંથકમાં વરસેલા અનરાધાર વરસાદ અને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકાર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. અમરેલી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આજે સવારે ગાંધીનગર ખાતેથી અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લાના વહીવટી તંત્ર સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રી શ્રી વાઘાણીએ ત્રણેય જિલ્લામાં પ્રવર્તમાન પરિસ્થિતિ, વહીવટી તંત્રની તૈયારીઓ, નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ, આપત્તિ વ્યવસ્થાપન પ્લાન અને નાગરિકોની સુરક્ષા માટે લેવાયેલા પગલાંની વિગતવાર સમીક્ષા કરી તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બેઠકમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, ભાવનગરના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, સ્થાનિક સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિતના પદાધિકારીઓ જોડાયા હતા. આ ઉપરાંત ત્રણેય જિલ્લાના કલેક્ટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, મહાનગરપાલિકાના કમિશનરશ્રીઓ અને જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીશ્રીઓ પોતાના એક્શન પ્લાન સાથે ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક દરમિયાન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ત્રણેય જિલ્લાના કલેક્ટરો પાસેથી નીચાણવાળા વિસ્તારો, નદી-નાળાની પ્રવર્તમાન સ્થિતિ અને જળાશયોમાં પાણીની આવક અંગેનો લાઈવ રિપોર્ટ મેળવ્યો હતો. ખાસ કરીને ડેમોની સલામતી અને ઓવરફ્લો સ્થિતિ પર સતત નજર રાખવા તેમણે વહીવટી તંત્રને સૂચના આપી હતી.

ભારે વરસાદને કારણે વીજ પુરવઠો કે પાણી પુરવઠો ખોરવાવો કે રસ્તાઓ બ્લોક થવા જેવી તાત્કાલિક સમસ્યાઓના ત્વરિત નિકાલ માટે PGVCL, પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ તથા માર્ગ-મકાન વિભાગને સ્ટેન્ડબાય રહેવા મંત્રીશ્રીએ આદેશ આપ્યા છે. આ ઉપરાંત મંત્રીશ્રીએ તાકીદ કરી હતી કે, ફરી એકવાર ભયજનક મકાનો અને હોર્ડિંગ્સની ચકાસણી કરીને હજુ પણ ક્યાંય આવા જોખમી એકમો રહી ગયા હોય તો તેને તાત્કાલિક ધોરણે દૂર કરવા પણ સૂચના અપાઈ હતી.

સંભવિત રોગચાળો અટકાવવા માટે ક્લોરિન ટેબ્લેટ્સ અને ORSનો પૂરતો જથ્થો રાખવા તેમજ તાલુકા કક્ષાએ રેપિડ રિસ્પોન્સ ટીમ કાર્યરત કરવા આરોગ્ય વિભાગને તાકીદ કરાઈ છે. સગર્ભા માતાઓ અને બાળકોના આરોગ્યની વિશેષ કાળજી લેવા તેમજ જરૂર પડે લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવા અને ત્યાં ભોજન-પાણીની યોગ્ય વ્યવસ્થા રાખવા કલેક્ટરશ્રીઓને આદેશ આપવામાં આવ્યા છે.

મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે. વહીવટી તંત્રના તમામ વિભાગો પરસ્પર સંકલન જાળવીને કામ કરી રહ્યા છે. ઝીરો કેઝ્યુઅલ્ટીના અભિગમ સાથે તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સજ્જ છે અને જનતાને પણ વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા તેમણે અનુરોધ કર્યો છે.

અમરેલી

અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે સરેરાશ ૧૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જે કુલ સરેરાશ વરસાદના ૪૨ ટકાથી પણ વધુ છે. જેમાં, છેલ્લા ૨૪ કલાક દરમિયાન જ જિલ્લામાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આકસ્મિક પરિસ્થિતિમાં રાહત-બચાવની કામગીરી માટે અમરેલીમાં હાલમાં ૨ NDRFની ટીમો તૈનાત છે.

અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૭૬ નાગરિકને રેસ્ક્યુ અને ૬૪૧ નાગરિકોનું સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.

અમરેલીમાં ભારે વરસાદના કારણે રાજ્ય હસ્તકના કુલ ૨૫ જેટલા રસ્તાઓ બંધ થયા હતા, જેમાંથી ૧૯ રસ્તાઓને હાલ પૂર્વવત કરવામાં આવ્યા છે.

અમરેલીનો ધાતરવડી (૧૦૦% ભરાયેલો), સુરજવાડી (૧૦૦% ભરાયેલો), ખોડીયાર (૯૬% ભરાયેલો) અને રાયડી (૯૫% ભરાયેલો) ડેમમાં પાણીની આવક થતા હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જ્યારે, ધાતરવાડી-૨ (૮૯% ભરાયેલો) એલર્ટ પર અને શેલ-દેદુમલ (૭૮% ભરાયેલો) ડેમને વોર્નિંગ લેવલ પર રાખવામાં આવ્યા છે.

ભાવનગર

ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે સરેરાશ ૮ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જે કુલ સરેરાશ વરસાદના ૩૦ ટકાથી પણ વધુ છે. જેમાં, છેલ્લા ૨૪ કલાક દરમિયાન જ જિલ્લામાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આકસ્મિક પરિસ્થિતિમાં રાહત-બચાવની કામગીરી માટે ભાવનગરમાં હાલમાં ૧ NDRFની ટીમ તૈનાત છે.

ભારે તથા અતિભારે વરસાદ દરમિયાન રેસ્ક્યુ અથવા સ્થળાંતર કરાયેલા નાગરિકોને રહેવા માટે જિલ્લામાં કુલ ૯૮૨ આશ્રય સ્થળો નિયત કરવામાં આવ્યા છે.

જિલ્લામાં કુલ ૮૫૯ આપદા મિત્રોને બચાવ-રાહતની તાલીમ આપવામાં આવી છે.

મહુવા તાલુકાના ઓથા ગામે માલણ નદીમાં પાણીના વધુ પ્રવાહમાં અમદાવાદના ૮ નાગરિકો કાર સાથે તણાયા હતા, જે તમામ વ્યક્તિને રેસ્ક્યુ કરી સુરક્ષિત કરાયા છે.

જિલ્લામાં રાજ્ય હસ્તકના તમામ ૭૪ રસ્તાઓ ચાલુ છે. જ્યારે, પંચાયત હસ્તકના ૯૧૮ રસ્તાઓ પૈકી ૭ રસ્તાઓ બંધ છે. જેમાંથી, ૬ રસ્તાઓને ડાયવર્ઝન અને એક રસ્તાને વૈકલ્પિક રસ્તો ચાલુ કરવામાં આવ્યો છે.

ભાવનગરનો માલણ (૧૦૦% ભરાયેલો), શેત્રુંજી (૧૦૦% ભરાયેલો), રોજકી (૯૮% ભરાયેલો) અને રંઘોળા (૯૬% ભરાયેલો) ડેમમાં પાણીની આવક થતા હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

રાજકોટ

રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે સરેરાશ ૫ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જે કુલ સરેરાશ વરસાદના ૧૮ ટકાથી વધુ છે. જેમાં, છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

આકસ્મિક પરિસ્થિતિમાં રાહત-બચાવની કામગીરી માટે રાજકોટમાં હાલમાં ૧ NDRF અને ૧ SDRFની ટીમ તૈનાત છે.

રાજકોટના વેણુ-૨ (૭૬% ભરાયેલો) તથા આજી-૨ (૭૩% ભરાયેલો) ડેમમાં પાણીની આવક થતા વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.

કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં સુદ્રઢ સંકલન માટે દરેક તાલુકામાં એક ડેપ્યુટી કલેક્ટર કક્ષાના લાયઝન અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments