પોરબંદરની ઘણી ખાનગી શાળાઓની મનમાની અવારનવાર સામે આવતી રહી છે. અગાઉ પણ ફી, લિવિંગ સર્ટિફિકેટ સહિતના મુદ્દાઓને લઈને અનેક શાળાઓ વિરૂદ્ધ ફરિયાદો થઈ હતી અને કેટલાક કિસ્સાઓમાં કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
હવે ફરી પોરબંદરની કેટલીક નામી-અનામી ખાનગી શાળાઓની મનમાની સામે આવી છે. વાલીઓ દ્વારા વિદ્યાર્થી નેતા કિશન રાઠોડને જાણ કરવામાં આવી છે કે ફી બાકી હોવાના કારણે વિદ્યાર્થીઓના પરિણામો રોકી રાખવામાં આવ્યા છે. કેટલાક શાળાના ગ્રુપોમાં વાલીઓને એવો સંદેશ મોકલવામાં આવ્યો હતો કે સ્કૂલ ફી ભર્યા બાદ જ વિદ્યાર્થીઓના પરિણામ પત્ર આપવામાં આવશે.
આ મુદ્દે વિદ્યાર્થી નેતા કિશન રાઠોડે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ કે સરકાર દ્વારા આવો કોઈ નિયમ અથવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી કે ફી ભર્યા બાદ જ પરિણામ આપવામાં આવે. આ માત્ર ખાનગી શાળાઓ દ્વારા બનાવેલા પોતાના નિયમો અને મનમાની છે, જે વાલીઓ પર લાદવામાં આવી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દરેક પરિવારની પરિસ્થિતિ એકસરખી હોતી નથી. ઘણીવાર વાલીઓને આર્થિક સંજોગોને કારણે થોડો સમય લાગી શકે છે. શાળા સંચાલકોએ વાલીઓની પરિસ્થિતિ સમજી તેમને સમય આપવો જોઈએ. શાળાનું સંચાલન ફી પરથી ચાલતું હોવું સ્વાભાવિક છે, પરંતુ તેના આધારે વિદ્યાર્થીઓના પરિણામો રોકી શકાય નહીં.
કિશન રાઠોડે સૂચન કર્યું હતું કે જો ફી બાકી હોય તો શાળા મેનેજમેન્ટ વાલીઓ પાસેથી લેખિત બાંહેધરી લઈ શકે કે તેઓ નિશ્ર્ચિત સમયમર્યાદામાં ફી ભરશે. વર્ષોથી એક જ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિવારોની પરિસ્થિતિ વિશે શાળાઓને જાણ હોવા છતાં ફી માટે દબાણ કરવું યોગ્ય નથી.
તેમણે યાદ અપાવ્યું કે કોરોનાકાળ દરમિયાન સરકાર દ્વારા સ્પષ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓનું પરિણામ કે લિવિંગ સર્ટિફિકેટ શાળાઓ રોકી શકશે નહીં, અને તે નિયમ હજુ પણ અમલમાં છે. ત્યારે વિદ્યાર્થીઓના હિત માટે સરકાર વિચારતી હોય છતાં કેટલીક ખાનગી શાળાઓ પોતાની મનમાની કેમ ચલાવે છે તે પણ એક મોટો સવાલ છે.
આ સમગ્ર મામલે વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હતી અને મનમાની કરતી શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ભૂતકાળમાં પણ આવી શાળાઓ સામે દંડ સહિતની કાર્યવાહી થઈ ચૂકી હોવાનું તેમણે જણાવ્યું હતું.
વાલીઓ અને વિદ્યાર્થીઓએ પણ માંગ કરી છે કે આવી શાળાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પણ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતાર્થે યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે.

