ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. બે કૌટુંબિક પરિવારો વચ્ચે કરીયાણાની દુકાને બેસવા જેવી નજીવી બાબતે મામલો બિચક્યો હતો, જેમાં સામસામે તલવારો, ધોકા અને પથ્થરમારો થતા આખો વિસ્તાર રણમેદાનમાં ફેરવાઈ ગયો હતો. આ અથડામણમાં મહિલાઓ સહિત 5 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
દુકાને બેસવા જેવી નજીવી બાબતે ખેલાયો જંગ ઘટનાની વિગત મુજબ, ખેડૂતવાસમાં બહુચર માતાના મંદિર પાસે રહેતા બે પરિવારો વચ્ચે વિવાદ થયો હતો. ઈજાગ્રસ્ત જીતેશભાઈ બારૈયાના જણાવ્યા અનુસાર, તેમના ઘર પાસે આવેલી કરીયાણાની દુકાને લોકો ભેગા થતા હતા. આ ભીડ એકઠી કરવાની ના પાડતા મામલો ગરમાયો હતો. આ જૂની અદાવતનો ખાર રાખીને શખ્સોએ મોડીરાતે હુમલો કર્યો હોવાના આક્ષેપ થયા છે. બીજી તરફ સામા પક્ષે ગીતાબેને પણ અગાઉની માથાકૂટને લઈ હુમલો થયો હોવાનું જણાવ્યું છે. પથ્થરમારામાં ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્તોની યાદી
1. નલબેન જીતેન્દ્રભાઈ બારૈયા
2. જેન્તીભાઈ પ્રેમજીભાઈ બારૈયા
3. સુરેશ જેન્તીભાઈ બારૈયા
4. જીતેશ જેન્તીભાઈ બારૈયા
5. સંગીતાબેન પ્રવિણભાઈ બારૈયા
6. ગીતાબેન મગનલાલ બારૈયા (સામા પક્ષે)
તમામ ઈજાગ્રસ્તોને સર ટી. હોસ્પિટલમાં ખસેડાયા. પોલીસનો મસમોટો કાફલો તૈનાત ઘટનાની ગંભીરતા જોતા LCB અને ઘોઘારોડ પોલીસ મથકના પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે 112ની 5થી વધુ ગાડીઓ તૈનાત કરી દેવામાં આવી હતી. મોડીરાત સુધી પોલીસે હોસ્પિટલ અને ઘટનાસ્થળે તપાસ હાથ ધરી સામસામે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી. હાલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, જેથી ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

