વડાપ્રધાન મોદી પોતે જ પોતાના ભાષણને અંતિમ સ્વરૂપ આપે છે

વડાપ્રધાન મોદીના ભાષણ અંગે સૌથી મોટો ખુલાસો

જવાહરલાલ નેહરૂ, ઈંદિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી પોતાનું ભાષણ જાતે જ તૈયાર કરતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના દમદાર અને દિલચસ્પ ભાષણ માટે ઓળખાય છે. ’મન કી બાત’ હોય કે પછી બીજો કોઈ કાર્યક્રમ, વડાપ્રધાન મોદી અંદાજે દરરોજ ભાષણ જરૂર આપે છે. ભાજપની રેલીઓ અને ચૂંટણી માટેની જનસભાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે ભીડ ઉમટી પડે છે.

વડાપ્રધાન પોતાની સ્પીચમાં જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કરે છે અને અનોખા અંદાજમાં વિપક્ષને નિશાન પર લઈને જવાબો આપે છે તેનાથી આખરે કોણ વડાપ્રધાનનું આ ભાષણ લખે છે તેવો સવાલ જરૂર થાય. શું વડાપ્રધાન પોતે જ આ ભાષણો લખે છે કે અન્ય કોઈ તેને તૈયાર કરે છે? ભાષણ લખનારી ટીમમાં કયા લોકો સામેલ છે અને તેમને કેટલા રૂપિયા મળે છે? આ બધા સવાલો જરૂર થતા હશે.
એક આરટીઆઇ અંતર્ગત વડાપ્રધાન કાર્યાલય પાસે આ અંગે જાણકારી માંગવામાં આવી હતી. જેના જવાબમાં આ પ્રકારની વિગતો સામે આવી હતી.

વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે વડાપ્રધાન પોતે જ પોતાના ભાષણને અંતિમ સ્વરૂપ આપે છે. જે પ્રકારની ઈવેન્ટ હોય તે પ્રકારે અલગ-અલગ વ્યક્તિઓ, અધિકારીઓ, વિભાગો, એકમો, સંગઠનો વગેરે વડાપ્રધાનને માહિતી પૂરી પાડે છે. આ જાણકારીની મદદથી વડાપ્રધાન પોતે જ અંતિમ સ્વરૂપનું ભાષણ તૈયાર કરે છે.

વડાપ્રધાન કાર્યાલયને ભાષણ લખવા માટે કોઈ ટીમ છે કે નહીં તેવો સવાલ પણ કરવામાં આવ્યો હતો. ઉપરાંત જો આવી કોઈ ટીમ હોય તો તેમાં કેટલા મેમ્બર હોય છે, તેમને કેટલુ પેમેન્ટ કરવામાં આવે છે તેવા સવાલો પણ કરવામાં આવ્યા હતા પરંતુ તેનો કોઈ જવાબ નહોતો આપવામાં આવ્યો.

પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂથી લઈને વડાપ્રધાન મોદી સુધીના નેતાઓના ભાષણ માટે વિવિધ સોર્સ પાસેથી જાણકારી એકઠી કરવાનું ચલણ છે. વડાપ્રધાનની સ્પીચ માટે પાર્ટી, મંત્રીઓ, વિષયના નિષ્ણાંતો, વડાપ્રધાનની પોતાની ટીમ જાણકારી એકઠી કરે છે અને પછી તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે. જવાહરલાલ નેહરૂ, ઈંદિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી જેવા કુશળ પ્રવક્તાઓ પોતાનું ભાષણ જાતે જ તૈયાર કરતા હતા.