નવા વર્ષના પહેલા દિવસે કેરળ, અસામ, કર્ણાટકમાં શાળાઓ ખોલવામાં આવી

બિહાર સહિત અનેક રાજ્યો આગામી સાત દિવસમાં શાળાઓ ખોલવાની તૈયારીઓમાં

કોરોના મહામારીને લીધે માર્ચ મહિનાથી બંધ પડેલી શાળાઓ હવે ધીમે-ધીમે ખુલવા લાગી છે. આ હેઠળ નવા વર્ષના પહેલા દિવસે કર્ણાટક, કેરળ અને અસામ રાજ્યોએ પણ શાળાઓ ખોલવાનો મહત્વનો નિર્ણય લીધો છે. કારણ કે, દેશમાં હજુ પણ કોરોના સંક્રમણના કેસો સામે આવી રહૃાા છે અને બ્રિટન, દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોના વાયરસના નવા પ્રકારના સંક્રમણના કેસો ભારતમાં પણ આવી ચૂક્યા છે. જોકે રાજ્ય સરકારો શાળામાં કોવિડ-૧૯ ગાઇડલાઇનના પાલન પર ખાસ જોર આપી રહી છે.

આ પહેલા ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, સિક્કિમમાં શાળાઓ આંશિક રીતે ખોલવામાં આવી હતી. બિહાર સરકારે પણ જાહેરાત કરી હતી કે, ૯થી ૧૨ ધોરણ માટે રાજ્યની શાળાઓને ૪ જાન્યુઆરીથી ખોલવામાં આવશે. દેશના ઘણા રાજ્યો બંધ પડેલી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાનોને ખોલવા પર વિચારણા કરી રહૃાા છે, પરંતુ વર્તમાન સમયમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ભય પ્રસરી રહૃાો છે.

મુંબઇમાં કોરોના વાયરસવા નવા પ્રકારને મુદ્દે ૧૫ જાન્યુઆરી સુધી શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. અહીં લોકડાઉન સમયથી જ શાળાઓ બંધ પડી છે અને ઓનલાઇન ક્લાસની સુવિધાથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહૃાા છે.

કોરોના મહામારીને લીધે દુનિયાભરના દેશોમાં શિક્ષણ ક્ષેત્રે આ સ્થિતિ પેદા થઇ છે. એવામાં કેટલાક દેશોમાં શાળા ખોલવાના નિર્ણય લેવાયા હતા, પરંતુ બાળકોમાં કોરોના સંક્રમણ ફેલાતા શાળાઓ ફરીવાર બંધ કરવાની ફરજ પડી હતી. ભારતમાં પણ આ સ્થિતિ જ છે, કારણ કે નવા સ્ટ્રેનના કેસ ભારતમાં પ્રવેશી ચૂક્યા છે. બીજી તરફ વિદ્યાર્થીના પરિવારજનો પણ આ મુદ્દે ઓનલાઇન ક્લાસિસને વધુ મહત્વ આપી રહૃાા છે.