‘આપ’ના પ્રચંડ ‘અંડર કરન્ટ’ના પગલે ભાજપ-કોંગ્રેસની છાવણીમાં ચિંતાનું મોજુ

રાજકોટમાં મનપા ચૂંટણીના છેલ્લા તબક્કામાં એકા એક પ્રજાના મીજાજમાં પલટાના એંધાણ

પ્રથમવાર મનપાની ચૂંટણી પૂર્ણ કક્ષાએ લડી રહેલા પક્ષ પ્રતી એક મોટો વર્ગ ખેંચાયો હોવાનું અનુમાન, ભાજપ અને કોંગ્રેસ બન્નેના ઉમેદવારોની ઉંઘ હરામ કરતી ‘આપ’ અને કેજરીવાલની લોકપ્રિયતા, ‘આપ’ના ઉમેદવારો થોડી ઘણી પણ નક્કર અસર કરી શકે ખરા

મોટી સંખ્યામાં બેઠકો મળવાની શકયતા ઓછી પણ ‘આપ’નો વ્યૂહ હરીફોના ખેલ ચોક્કસ બગાડશે : રાજકીય નિષ્ણાંતો

ચૂંટણીમાં ઝુકાવ્યા પહેલા સમાજના વિવિધ વર્ગોમાં ‘આપ’નું નામ જાણીતું થયું એ ખુબ જ નિર્ણાયક પરીબળ

કુલ મતદાનની ટકાવારીમાં, પેટર્ન અને દિશામાં પણ અણધાર્યા ફેરફારો થવાનો સંભવ, ભાજપ અને કોંગ્રેસ ચિંતાતુર

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંંટણીઓમાં ખેલાઇ રહેલા ત્રીપાંખીયા જંગને અને અત્યાર સુધી થયેલા પ્રચારમાં જોવા મળેલા લોકોના મીજાજનું પૃથકરણ કરનાર રાજકીય નિષ્ણાંતો, શહેરી રાજકારણના અભ્યાસુઓ અને તટસ્થ નિરિક્ષકો ચૂંટણી જંગના તબક્કામાં જે અભીપ્રાય અને નિષ્કર્ષ પર પહોંચ્યા છે. એ જોઇ સાંભળીને ચૂંટણી મેદાનમાં જુના જોગી એવા મુખ્ય રાજકીય પક્ષોની છાવણીઓમાં ચિંતાનું ધેરૂ મોજું ફરી વળ્યું છે. તેનું કારણ એ છે કે, રાજકોટ મનપાના ઇતિહાસમાં પહેલી વખત બે મુખ્ય રાજકીય પક્ષોને એક સબળ હરીફનો સામનો કરવાનો વખત આવ્યો છે અને એ નવા ચહેરા જેવો પક્ષ શહેરીજનોના એક મોટા વર્ગને પોતાના તરફ આકર્ષીત કરવામાં સફળ રહયો છે. એવા મજબુત સંકેતો વોર્ડ વાઇઝ યાત્રાઓમાંથી મળી રહયા છે. જેના કારણે હરીફ પક્ષોના ઉમેદવારોની ઉંધ અત્યારથી હરામ થઇ જવા પામી છે. અત્યાર સુધી રાજકોટમાં સ્થાનીક કક્ષાએ થયેલા પ્રચાર અને પક્ષોને મળી રહેલા સમર્થન તથા પ્રતિસાદનું વિશ્ર્લેષણ કરીને રાજકીય વ્યૂહ બાજ મક્કમ પણે એવો અભીપ્રાય વ્યકત કરી રહયા છે કે, રાજકોટમાં નવોદિત આમ આદમી પાર્ટીના સમર્થનમાં એક પ્રચંડ અંડર કરન્ટ જોવા મળી રહયો છે. જે ધીમે ધીમે એક પાછી એક વોર્ડમાં ફેલાઇ રહયો છે. લોકોના મન પર આમ આદમી પાર્ટીના એજન્ડા અને વિકાસના વીઝનની નોંધપાત્ર અસર થઇ રહી હોય એવું જોવા મળી રહયું છે. નીરીક્ષકો માને છે કે, બેઠકોની સંખ્યાની દ્રષ્ટીએ ભલે આમ આદમી પાર્ટી થેલો ભરી ન શકે અને મુઠી ભર બેઠકો કદાચ મેળવે પણ ખરા છતાં એક વાત નક્કી છે કે, રાજકોટીયનના હદયમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કરવામાં આમ આદમી પાર્ટી સફળ રહી છે અને ભવિષ્યમાં એ પક્ષ ખુબ જ મોટા પાયે સફળતાની મંજીલો અને શીખરો સર કરી શકે છે. અત્યારે એમની ભાવી પ્રચંડ સફળતાનો પાયો ધરબાઇ ગયો છે એવું માની લઇએ તો અતીશ્યોકિત નહીં ગણાય.

રાજકીય અભ્યાસુઓના આ મંતવ્ય બે મુખ્ય રાષ્ટ્રીય અને સબળ પક્ષોના હાંજા ગગડાવી દેવા માટે પુરતા છે. રાજકોટમાં ચૂંટણીની દ્રષ્ટીએ આપ ભલે નવોદિત પક્ષ હોય પણ રાષ્ટ્રીય સ્તરે અને રાજકોટમાં જ નહીં બલકે સૌરાષ્ટ્રભરમાં આપના નામથી અપરીચીત હોય એવા બહુ ઓછા લોકો હશે. ખાસ કરીને દિલ્હી મોડલ તરીકે વિખ્યાત બનેલી અરવિંદ કેજરીવાલ સરકારની વિકાસ ગાથા વિશે અખબારોમાં ધણું છપાયું છે. ટીવી ચેનલો પર છાશવારે લોકો જોતા આવ્યા છે. કઇ રીતે કેજરીવાલ સરકારે લોકોના હિતમાં સ્થાપીત પરંપરાઓથી હટીને અલગ ઢબના પગલા લઇ લોકોને રાહત પુરી પાડી છે એ વિગતોથી મોટા ભાગની જનતા વાકેફ છે એટલે રાજકોટમાં પણ જેટલુ ભાજપ કોંગ્રેસના નેતાઓનું નામ જાણીતું છે એટલું જ કેજરીવાલનું નામ જાણીતું છે અને આમ જનતામાં એ નામ ખુબ જ માન, સન્માન સાથે રસપુર્વક ચર્ચાતુ રહયું છે. આપના વડા તરીકે દિલ્હી જેવા વિવિધ રંગી શહેરમાં અને અનેક વિધનો તથા અટકળો વચ્ચે આપના વડાએ દિલ્હીમાં નમુના રૂપ શાસનની પ્રણાલીકા દેશ આખા માટે રજૂ કરી છે જે અન્ય રાજયો માટે પણ પ્રેરણા રૂપ બની છે. વિજ બીલમાં રાહત આપવી, પાણી વેરો સાવ મામુલી કરવો, સરકારી આધાર કાર્ડ જેવા દસ્તાવેજો લોકોને ઘરે-ઘરે જઇને પહોંચતા કરવા, દિલ્હીનું પ્રદુષણ ઓછું કરવા ભારતે અગાઉ કદી ન જોય એવી એવી વાહનો માટેની ઓડ-ઇવન સીસ્ટમ લાગુ કરવી આવા-આવા અનેક ક્રાંતીકારી પગલાને કારણે શહેરી, વિકાસ અને નિયોજન માટે કેજરીવાલ મોડેલ ખુબ જ વિખ્યાત બન્યું છે અને અભ્યાસુઓમાં હંમેશા ચર્ચાનો વિષય રહયું છે. રાજકોટની જનતા આપથી બખુબી પરીચીત થતી જાય છે. આપ દ્વારા રાજકોટ સહિત ગુજરાતભરમાં સંગઠનની રચના કરવામાં આવી છે અને લોકો સુધી આપના વિચારો અને વિકાસ માટેના એકના દ્રષ્ટી કોણને પહોંચાડવાની આાપના સ્થાનિક અને પ્રાદેશીક નેતાઓ નિષ્ઠાપુર્વકની કોશીશ કરી રહયા છે. કદાચ પહેલા તબક્કે એમને ધાર્યા મુજબની સફળતા ન પણ મળે પણ ભવિષ્ય માટે આપની સફળતાનો રસ્તો જરૂર નક્કી થઇ ગયો છે. લોકો આકષાયા છે અને એમની આકષર્ણ ઇવીએમ સુધી આ વખતે બહુ મોટી સંખ્યામાં ન પણ પહોંચે છતાં ભાવી સફળતા માટેનો ઝંડો ખોડી દેવામાં આપને જરૂર સફળતા મળી છે. એવું તટસ્થ અવલોકનકારો કહી રહયા છે. આપની વધતી જતી લોકપ્રીયતા આગામી દિવસોમાં અવનવા શીખરો સર કરી શકે છે. લોકો હવે સ્થાપીત તત્વોથી કંટાળીયા છે. એકના એક વાયદા અને એકની એક પધ્ધતીથી વાજ આવી ગયા છે. લોકો હવે નવું ઝંખી રહયા છે એમની આ ખ્વાઇસ અને તડપ જોતા એવું લાગે છે કે, આપને આજે નહીં તો કાલે જરૂર લોકો તક આપશે અને સત્તા અને ગાદીની લાલસા વીના માત્ર અને માત્ર જનહિતમાં કામ કરવાની સુટેવ ધરાવતી આ પાર્ટીને રાહ જોવાનો કોઇ વાંધો નથી એમને પ્રજામાં પુરો ભરસો અને શ્રધ્ધા છે કે ગમે ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રની પ્રજા આપને એક તક જરૂર આપશે.