રાજકોટમાં આજે બપોર સુધીમાં નવા 14 કેસ નોંધાયા

હાલ રાજકોટમાં 1880 જેટલા બેડ જ સારવાર માટે ઉપલબ્ધ: કુલ કેસની સંખ્યા 16529 પર પહોંચી

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં દિવસેને દિવસે નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં આજે બપોર સુધીમાં નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 16529 પર પહોંચી છે. જેમાંથી અત્યાર સુધીમાં 16107 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજકોટ શહેરમાં આજે 24 સરકારી અને 14 ખાનગી હોસ્પિટલમાં વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. આજે બપોર સુધીમાં પ્રથમ તબક્કામાં 114, પ્રથમ તબક્કાના બીજા ડોઝમાં 253, 60 વર્ષથી મોટી ઉંમરના 2011 અને 45થી 59 વર્ષના કોમોર્બીડીટી ધરાવતા 200 લોકો સહિત કુલ 2578 લોકોએ વેક્સિન લીધી છે.

રાજકોટમાં કોરોનાની સારવાર માટે 2500 બેડ ઉપલબ્ધ છે જેમાંથી હાલ 1880 જેટલા બેડ જ સારવાર માટે ઉપલબ્ધ હોવાનું તંત્રની યાદીમાં જાહેર કરાયું છે. જે સાબિત કરે છે હાલમાં રાજકોટમાં 400 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. આ દર્દીઓમાંથી ઘણા અન્ય જિલ્લાના પણ હોવાથી તેમની ગણતરી ક્યાંય દર્શાવવામાં આવી નથી. બીજી તરફ જે નવા કેસ આવી રહ્યાં છે તેની સાથે ડિસ્ચાર્જ પણ થઈ રહ્યાં છે પણ ડિસ્ચાર્જ રેશિયો ઓછો હોવાથી એક્ટિવ કેસ કે જે 15 દિવસ પહેલા 150ની નજીક આવી ગયા હતા તે વધીને 300એ આંબવા લાગ્યા છે.