રાજકોટની સિવિલમાં તબીબી બેદરકારીથી માતા-પુત્રીનું મોત, પરિવારજનોનો હોબાળો

એક તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલની સુવિધામાં ધરખમ ફેરફાર કરી અને અત્યાધુનિક બનાવવામાં આવી રહી છે તેની વચ્ચે પણ અહીં દાખલ થતા દર્દીઓ તબીબી બેદરકારીના કારણે મોત થવાના આક્ષેપોનો સિલસિલો હજુ પણ અટકવાનું નામ લેતો નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ માતા અને નવજાત પુત્રીનું મોત થતાં તેમના પરિવાજનોએ હંગામો મચાવ્યો હતો તેમજ તબીબની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ લગાવ્યો હતો.

૨૧ વર્ષીય મહિલાની ૭ મહિનાના અપૂરતા માસે સિઝરીયન ડિલેવરી કરી બાળકીને જન્મ આપવામાં આવ્યો હતો. બાળકીના જન્મ બાદ ૨૪ કલાકમાં બાળકીનું મુત્યું થયું હતું અને તેના ૬ કલાક બાદ માતાનું મૃત્યુ થતા પરિવારજનોમાં રોષ ફેલાયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગત રવિવારના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અનિકાબેન સાવનભાઇ વાઘેલા અને તેની નવજાત બાળકી સારવાર માટે દાખલ હતાં. જેમના મોત થતાં પરિવારજનોએ હંગામો મચાવ્યો હતો.મૃતકના પરિવારજનો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા હતા.

પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, મહિલા અને નવજાત બાળકીનું મોત તબીબની બેદરકારીથી થયું છે. પરિવાજનોએ જવાબદાર તબીબને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. તેમજ જવાબદાર સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો હતો.પરિજનોએ મહિલાની લાશ સ્વીકારવાનો કર્યો ઇક્ધાર કર્યો હતો. પોલીસે એક વ્યક્તિની અટકાયત કરતા મામલો બીચક્યો હતો.આ કેસમાં હવે પોલીસની સમજાવટથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાશે.