દારૂબંધી: નારોલ પોલીસે ઘરમાંથી વિદેશી દારૂની ૩૧૨ બોટલો ઝડપી

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ ઝડપાતો હોય છે. ત્યારે દારૂબંધી માત્ર કાગળો પર જ હોય તેવી સ્થિતી સર્જાઈ છે. અમદાવાની નારોલ પોલીસે બાતમીના આધારે રેડ કરીને એક ઘરમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. નારોલ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે સિરાજઉલ હસન અન્સારી તેમજ એજાઝ ખાન પઠાણ નામનો શખ્સ ભેગા મળીને નારોલ ગ્રીન પાર્કની પાસે આવેલ અલમાસ પાર્કના એક મકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવીને મુકી રાખ્યો છે અને ચોરી છૂપીથી વેચાણ કરે છે.

જે બાતમીના આધારે નારોલ પોલીસે રેડ કરી હતી જે રેડ દરમિયાન પોલીસે એજાઝખાન પઠાણ નામના યુવકને ઝડપી પાડયો હતો અને મકાનમાં ચકાસણી કરતા પોલીસને ભારતીય બનાવટની વિદેશી દારૂની ૩૧૨ બોટલો મળી આવી હતી. ૧.૫૬ લાખની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તેમજ મોબાઇલ ફોન સહિત ૧,૫૬,૫૦૦ નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.

અને આ દારૂનો જથ્થો આરોપી ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં પૂછપરછ કરતા સામે આવ્યુ કે સીરાજઉલ અન્સારીએ આ દારૂનો જથ્થો લાવી વેચાણ કરવા માટે તેને આપ્યો હતો. પોલીસે ફરાર આરોપી સામે પણ ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.