બજેટમાં સૌરાષ્ટ્ર માટે શું? રાજકોટ, ભાવનગર અને જામનગરને મળશે મેટ્રો સેવા

યાત્રાળુઓ માટે હેલિકોપ્ટરથી જાત્રા કરાવાની સરકારની સુવિધા, કેવડીયા કોલોનીમાં 2 લાખ કમલમ (ડ્રેગન ફ્રુટ) ઉગાડશે સરકાર!

રૂપાણી સરકારના બજેટમાં નાણામંત્રી રાજકોટ અને સૌરાષ્ટ્ર પર ઓળઘોળ થઇ ગયા હોય તેમ કેટલીક મહત્વ પૂર્ણ યોજનાઓ જાહેર કરી છે. જેમાં મેટ્રો ટ્રેન સેવાનો પણ સમાવેશ થાય છે. યાત્રાળુઓને ખુશ કરી દે એવી જાહેરાત કરતા નાણામંત્રી નીતિન પટેલે હેલીકોપ્ટરથી જાત્રા કરાવવાની જાહેરાત કરી છે. એ માટે કુલ છ સ્થળે હેલીપોર્ટ બનાવવામાં આવશે.

નાણામંત્રીએ જાહેર કર્યા મુજબ સોમનાથ, અંબાજી, દ્વારકા અને હેલીપોર્ટ તૈયાર કરવામાં આવશે તેથી ભાવિકો જાત્રા કરવા માટે હેલીકોપ્ટર સેવાનો લાભ લઇ શકશે. રૂ.3 કરોડના ખર્ચે હેલીપોર્ટ બનાવવામાં આવશે.

બીજી એક મહત્વની જાહેરાત કરતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે, વડોદરા મેટ્રો સેવાની જેમ જામનગર અને ભાવનગરને મેટ્રો લાઇટ, મેટ્રો નીયો સેવા આપવાની જોગવાઇ કરવામાં આવી છે. આ માટે બજેટમાં રૂ.50 કરોડની ધીંગી ફાળવણી કરવામાં આવી છે.

જામનગર પાસે સચાણા બંદરે સીપ બ્રેકીંગ યાર્ડની નિર્માણ કરવા રૂ.25 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આજી-1 અને ન્યારી-1 ડેમમાં બોર બનાવવા માટે રૂ.1071 કરોડની ફાળવણી બજેટમાં કરવામાં આવી છે.

બીજી કેટલીક આકર્ષક જાહેરાતોમાં સાયન્સ સીટી ખાતે બાળકો માટે ટોય મ્યુઝમ અને વિધાનસભા પરીસરમાં અતિ આધુનિક સંગ્રહાલય બનાવવાનો આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ઇતિહાસના દર્શન કરાવવામાં આવશે. સૌરાષ્ટ્રમાં અટલ ભુજલ યોજના થકી કુવા અને બોર ઉંડા ગાળી શકાય એ માટેની યોજના માટે રૂ.557 કરોડ આગામી પાંચ વર્ષમાં ફાળવવામાં આવશે. એજ રીતે કેવડીયા કોલોનીની આજુબાજુ કમલમ ડ્રેગન ફ્રુટના બે લાખ રોપાનું વાવેતર કરવામાં આવશે. એ માટે રૂ.15 કરોડ અપાયા છે. સૌરાષ્ટ્રના યાત્રાધામોને જોડતા રસ્તા ફોરલેન્ડ કરાશે જયારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને અમદાવાદ સાથે જોડતા રસ્તા સીકસ લેઇન બનાવવામાં આવશે.
આ જાહેરાત સૌરાષ્ટ્ર માટે ખુબ મહત્વની બની રહેશે. એજ રીતે 9 જિલ્લાઓમાં મેડિકલ વેક્સિન સ્ટોર ઉભા કરવામાં આવશે. એક ખુબ મહત્વની જોગવાઇમાં પુન: લગ્ન કરનાર વિધવા મહિલાઓને સરકાર તરફથી રૂ.50 હજાર સહાય અપવામાં આવશે. જયારે પીએસડી સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે રૂ.20 કરોડ ફાળવવામાં આવ્યા છે.