ગુજરાતના પ્રકૃતિપ્રેમીઓની ગીરના ઈતિહાસની સૌથી મોટી પીઆઈએલ

આજે હાઈકોર્ટમાં સેવ લાયનની જાહેરહિતની અરજી પર સુનાવણી

ગુજરાત વનવિભાગનાં મેનેજમેન્ટ પ્લાન બાબત નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ટીમ સેવ લાયન દ્વારા પીઆઈએલ કરવામાં આવી હતી. જેની સુનાવણી ૦૭/૦૧/૨૦૨૧નાં રોજ હાઇકોર્ટમાં હાથ ધરાશે. રિટાયર્ડ ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન ડી.એમ.નાયક, સેવ લાયન સંસ્થાનાં વડા મયંક ભટ્ટ તથા જાણીતા સિહ પ્રેમી રમેશ રાવળ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. ગુજરાતનાં પ્રકૃતિપ્રેમીઓનાં મતે ગીરનાં ઈતિહાસની સૌથી મોટી પીઆઈએલ માનવામાં આવી રહી છે.

પીઆઈએલ બાબતની વધુ જાણકારી આપતાં મયંક ભટ્ટે જણાવ્યું હતું કે, હાલમાં વનવિભાગ અને સરકાર જે પ્રમાણે સિંહ અને ગીર બાબત જે કાર્યપધ્ધતિ અપનાવી રહૃાા છે, તે ગીર મેનેજમેન્ટ પ્લાનને અનુસાર નહીં પરંતુ એડહોક કાર્યપધ્ધતિથી ચાલી રહૃાું છે. જેને કારણે હાલમાં એશિયાઈ સિંહની હાલત કફોડી બની છે, તો ગીરનું નિકંદૃન નીકળી રહૃાું છે. જેમાં તાત્કાલિક બદલાવ લાવી ને ગીર મેનેજમેન્ટ નો સુવ્યવસ્થિત અમલ થવો જ જોઈએ.

પોતાનું સમગ્ર જીવન વનવિભાગને સમર્પિત કરનાર રિટાયર્ડ ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન ડી.એમ.નાયકે જણાવ્યું હતું કે, વન્યજીવ અને વન સંરક્ષણ માટે હંમેશા આગામી ૧૫ વર્ષની પરિસ્થિતિનો સટીક અભ્યાસ કરીને મેનેજમેન્ટ પ્લાન બનાવવો જોઇએ. જેને પગલે વન્યજીવો અને વનોનું સંરક્ષણ, સંવર્ધન થઈ શકે. સાથે સાથે ટોલરન્સ લિમિટ નક્કી થવી જ જોઈએ, જેને લીધે વન્યજીવ અને મનુષ્ય વચ્ચેનું ઘર્ષણ ટાળી શકાય. જે હાલની પરિસ્થિતિ જોતા બિલકુલ યોગ્ય છે, જેમાં મનુષ્ય અને વન્યજીવ બન્ને માટે ટોલરન્સ લિમિટ નક્કી કરવી જોઈએ.