૨૦ વર્ષથી એક જ ઓરડીમાં રહેતા ૬૫ વર્ષના અપરિણીત વૃદ્ધા મળ્યાં

રાજકોટના સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમે વધુ એક માનવતા મહેકાવતું કાર્ય કર્યુ છે. ૪ જાન્યુઆરીના રોજ જલ્પાબેન પટેલ અને તેમની ટીમ સાંજે ૭ વાગ્યે ધ્રોલ પહોંચી હતી. ધ્રોલમાં ૬૦ તોલા સોનુ, ત્રણ મકાન હોવા છતાં પણ કંચનબેન મગનભાઈ પીપળીયા નામના ૬૫ વર્ષના વૃદ્ધા છેલ્લા ૨૦ વર્ષથી એક જ ઓરડીમાં એકલાયું જીવન જીવતા હતા. સાથી સેવા ગ્રુપે ઓરડીમાં જોયું તો કંચનબેન નિર્વસ્ત્ર હાલતમાં જોવા મળ્યાં હતા. બહાર કાઢ્યા તો તેમના વાળ ૮ ફૂટ જેટલા વધી ગયા હોવાનું જોવા મળ્યું હતું. સાથી સેવા ગ્રુપે કંચનબેનને બહાર કાઢી સૌપ્રથમ તો ભજીયા ખવડાવ્યા હતા. બાદમાં તેમના વાળ કાપવામાં આવ્યા હતા. તેમજ નવડાવી નવા વસ્ત્રો પહેરવામાં આવ્યા હતા. સાથી સેવા ગ્રુપની સરાહનીય કામગીરીથી પાડોશમાં રહેતા લોકો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા.

બાદમાં જલ્પાબેને કંચનબેનના ભત્રીજાનો ફોનમાં સંપર્ક કરતા પરિવારજનોએ તેમને સ્વીકારવા ઇક્ધાર કર્યો હતો. આથી જલ્પાબેને સુરત માનવ મંદિર આશ્રમનો સંપર્ક કરતા અહીં મોકલી દેવા જણાવ્યું હતું. આથી સાથી સેવા ગ્રુપે તેમને બીજા દિવસે એટલે કે ૫ જાન્યુઆરીએ સુરત મોકલી દીધા હતા. જલ્પાબેને જણાવ્યું હતું કે, કંચનબેને લગ્ન કર્યા ન હોવાથી એક જ ઓરડીમાં એકલવાયું જીવન જીવતા હતા. શેરીમાં રહેતા આજુબાજુના લોકો તેમને નાસ્તો અને જમવાનું આપતા હતા. પાડોશીના કહેવા મુજબ કંચનબેન છેલ્લા ૧૫ વર્ષથી ન્હાયા નહોતા. માજી પાસે ૬૦ તોલા સોનુ હતું. માજીની સારવાર થાય અને ત્રણ ટાઈમ ભોજન મળી રહે તે માટે સુરત માનવ મંદિર આશ્રમ ખાતે ખસેડવામાં આવ્યા છે.

સાથી સેવા ગ્રુપ આવા કામ કરવા હંમેશા તત્પર રહે છે. આવી કોઈ પણ વ્યક્તિ તમારા ધ્યાનમાં આવે તો સાથી સેવા ગ્રુપને ફોન કરો અને કોઈને નવુ જીવન આપવામાં મદૃદૃ કરો તેવી મારી અપીલ છે. કંચનબેન સુરત માનવ મંદિર આશ્રમ ખાતે પહોંચતા જ સંચાલકે સાથી સેવા ગ્રુપના જલ્પાબેન અને તેમની ટીમનો આભાર માન્યો હતો. સુરત માનવ મંદિર આશ્રમે સોશિય મીડિયામાં વીડિયો વાઈરલ કરી આવા લોકો તમારા ધ્યાનમાં આવે તો અહીં મોકલી દેવા વિનંતી કરી હતી. તેમજ આવા લોકો માટે માનવ મંદિર આશ્રમના દરવાજા અડધી રાતે ખુલ્લા છે તેવું જણાવ્યું હતું.