કોંગ્રેસમાં બદલાવના એંધાણ વચ્ચે ૧૯મી એ ગુજરાત આવશે રાજીવ સાતવ

ગુજરાતમાં પેટાચૂંટણીઓમાં પરાજય બાદ કોંગ્રેસના પ્રદૃેશ પ્રમુખ તથા વિપક્ષના નેતાના રાજીનામું આપવાના પ્રસ્તાવ અંગે હાલમાં પાર્ટીએ કોઈ નિર્ણય લીધો નથી.પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા બદલવા માટે તૈયાર થયેલા રીપોર્ટ પર દિલ્હીમાં ચર્ચાઓ થયા બાદૃ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ૧૯મી ગુજરાત આવશે. કોંગ્રેસના નેતાઓ સાથે ફરીવાર બેઠક યોજશે. તેમના આગમનને પગલે કોંગ્રેસના નેતૃત્વમાં બદલાવ થવાની અટકળો વધુને વધુ તેજ બની છે. રાજીવ સાતવે પેટાચૂંટણીમાં પાર્ટીના પરાજય બાદ કોંગ્રેસના કાર્યકરોના મંતવ્યો લીધા છે. પાર્ટીના કાર્યકરોથી લઈને જિલ્લા પ્રભારી સુધીના આગેવાનોએ સાતવ સમક્ષ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી પહેલા નેતૃત્વમાં ધરખમ ફેરફાર કરવાની સખત જરૂર છે.

જો કોઈ ફેરફાર કરવાનો હશે તો આગામી દસ દિવસમાં કરવામાં આવશે અથવા સ્થાનિક ચૂંટણી ખતમ થાય ત્યાં સુધી પક્ષ રાહ જોશે’. આ મુદ્દે હાઈકમાન્ડ હાલ વિચારાધિન છે. રાજ્યના પ્રભારી રાજીવ સાતવના પ્રભારી તરીકેના સમય દરમિયાન જ કોંગ્રેસના ૨૦થી વધુ ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોને સાચવવામાં અમિત ચાવડા-પરેશ ધાનાણી જ નહીં, રાજીવ સાતવ પણ નિષ્ફળ રહૃાા હતા. હવે જયારે અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામાં ધર્યાં છે ત્યારે આગામી દિવસોમાં રાજીવ સાતવ પણ ગુજરાત કોંગ્રેસના પ્રભારીપદેથી રાજીનામું ધરી દે એવી શક્યતા જોવાઇ રહી છે.

રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થતાં નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ-પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામાં ધરી દીધાં હતાં, જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ પણ પ્રભારીપદ છોડી શકે છે. આ સંજોગોમાં કોંગ્રેસે નવા પ્રમુખની શોધખોળ શરૂ કરી દીધી છે, જેમાં હાલના ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનું નામ મોખરે છે, કેમ કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ ફરી એકવાર પાટીદાર કાર્ડ ખેલીને ભાજપને પરાસ્ત કરવાની વ્યૂહરચના ગોઠવી શકે છે.