રાજકોટીયન પર બહેરાશ અને અંધાપાનો ઝળુંબી રહેલો ખતરો

ઇઝ ઓફ લિવિંગના કેન્દ્ર સરકારે નક્કી કરેલા માપદંડ મુજબ શહેરનો વિકાસ જરૂરી, આગામી દિવસોમાં મહાનગરની કમાન સંભાળનારાઓ માટે એર અને ઘોંઘાટ પ્રદુષણ મુખ્ય પડકાર

અવાજ અને હવાના પ્રદુષણને કારણે દેશના ટોપ-10 શહેરોની યાદીમાં પણ સ્થાન નહીં, સ્માર્ટ સિટીના તમામ દાવાઓ પોકળ સાબિત, નગર નિયોજકોએ ગંભીરતા ધારણ કરવી રહી

ટ્રાફિકની બેફામ સમસ્યાને કારણે શહેરીજનોના આરોગ્ય પર ખુબ જ ગંભીર જોખમ

રાજકોટ મહાનગરને સ્માર્ટ સીટી બનાવવામાં આવી રહયાના જેટલા દાવા થઇ રહયા છે. તે કમ નસીબે સચ્ચાઇની સીમા રેખાની બહાર હોય એવું લોકોને લાગી રહયું છે અને આ કહેવાતા સ્માર્ટ શહેરની હાલત દિવસે-દિવસે વધુ બગડતી જાય છે અને તેની પાછળની મુખ્ય કારણ ઘોંઘાટ અને હવાનું પ્રદુષણ માનવામાં આવે છે. માનવીની મોટો અવાજ સહન કરવાની એક મર્યાદા હોય છે. અવાજના એ પ્રમાણને વૈજ્ઞાનિક ધોરણે ડેસીબલ લેવલથી માપવામાં આવે છે અને નિર્ધારીત કરવામાં આવે છે. રાજકોટ મહાનગરમાં છેલ્લા થોડા સમયથી ભયાનક ટ્રાફીક સમસ્યા, વધતી જતી વાહનોની સંખ્યા, સતત ધુમાડો ઉડાતા છકડા, ટ્રાન્ફોટ વહાનો અને રીક્ષાઓ તથા પ્રચંડ ઘોંઘાટને કારણે શહેરીજનો પર બેવડો માર પડી રહયો છે. એક તરફથી અવાજની પ્રદુષણ સહન શકિતની મર્યાદાથી ઉપર જઇ રહયું છે અને બીજી તરફ ધુમાડાને કારણે હવાનું પ્રદુષણ પણ બેફામ વધી રહયું છે. આ પરીબળોને કારણે શહેરીજનોના આરોગ્ય પર ગંભીર જોખમ ઉભુ થવા પામ્યું છે. કોઇપણ મહાનગરને માત્ર સીમેન્ટ-કોનકરીટના જંગલો અને બહુમાળી ઇમારતો થકી વિકસીત તરીકે મુલવી શકાતું નથી. સરવાળે અનેક પરીબળો ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. શહેરની હવા કેટલી સ્વચ્છ છે, પ્રદુષણનું પ્રમાણ કેટલું છે, ઇ-વાહનો અને ગેસ સંચાલીત વાહનો વધુ છે કે પેટ્રોલ-ડીઝલથી ધુમાડો વકતા વાહનો વધુ છે, શેરી-ગલ્લીઓ રાજમાર્ગોમાં સફાઇ કેટલી છે. એ તમામ માપદંડોને આધારે કોઇપણ શહેર રહેવા લાયક છે કે કેમ તેવું તારણ કાઢવામાં આવે છે.

તાજેતરમાં કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્ષ અનુસાર સૌથી સારા અને રહેવાલાયક શહેરોની યાદી બહાર પાડવામાં આવી હતી. તેમાં અપેક્ષા મુજબ અને ધારણા મુજબ બેંગ્લોર મેદાન મારી ગયું છે. 25 લાખથી ઉપરની અને 1 કરોડની આસપાસની વસ્તી હોવા છતાં સૌથી રહેવા લાયક શહેર તરીકેનું માન બેંગ્લોર મેળવી ગયું છે. જીવનની ગુણવતતા, શહેરની આર્થીક ક્ષમતા અને શાંત તથા સ્થિરતા, શહેરનું ટકાવપણું અને જનતાને મળતી શિક્ષણ તથા માળખાકીય સુવિધાઓ વગેરે ધ્યાનમાં લઇને ઇઝ ઓફ લિવિંગ નક્કી કરવામાં આવે છે. જીવન જીવવા માટેના સૌથી સારા ટોપ-10 શહેરોમાં ગુજરાતના બે શહેરોને સ્થાન મળ્યું છે. અમદાવાદ ત્રીજા અને સુરત પાંચમાં સ્થાને છે.10 લાખથી ઓછી વસ્તી વાળા શહેરોમાં ગાંધીનગર સાતમાં સ્થાને છે. કોર્પોરેશન શ્રેષ્ઠ સુવિધા આપતું હોય એવા ટોપ-10 માં ગુજરાતના બે અમદાવાદ અને વડોદરા છે. કોર્પોરેશન સુવિધામાં 10 લાખથી ઓછી વસ્તીવાળા શ્રેષ્ઠ શહેરોમાં ટોપ-10માં ગાંધીનગર સીવાય કોઇ શહેર નથી. આ રીતે આર્થીક ક્ષમતા, રહેણાંક, રીક્રીરેસન, પરીવહન, સ્વચ્છતા અને શિક્ષણની દ્રષ્ટિએ રાજકોટ મહાનગર ઘણું પાછળ રહી જાય છે. એક સુવિધા અંગે રાજકોટની નોંધ લેવામાં આવી છે એ છે સ્વચ્છતા એ સીવાયના કોઇ માપદંડમાં રાજકોટ જેવું મહાનગર કસોટીની એરણ પરથી પાર થઇ શકયું નથી. જેનો સીધો અર્થ એ થયો કે, મહાનગર રાજકોટને ખરા અર્થમાં રહેવા લાયક અને જીવવા લાયક બનાવવા માટે હજુ અનેક માઇલોની સફર ખેડવાની બાકી રહે છે. ધણુ બધુ કામ કરવાનું રહે છે. ખાસ કરીને આર્થીક તકો ટ્રાન્ફોટ, શિક્ષણ, શહેરીજનો માટે પાયાની માળખાકીય સુવિધાઓ, ઓછુ પ્રદુષણ, ધુમાડા વિહિન ટ્રાફીક એમ ધણા બધા સેંકટરમાં રાજકોટમાં કામ કરવાનું બાકી રહે છે. આગામી વર્ષોમાં રાજકોટ શહેરની વસ્તી વધવા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થઇ શકે છે. એટલે તેની સાથે સાથે પ્રદુષણ અને ધોધાટનું પ્રમાણ પણ હદની બહાર જઇ શકે છે. એ દીશામાં અત્યારથી મહાનગરના નિયોજકોએ 10 વર્ષીય આયોજન વિચારીને એ મુજબ અત્યારથી પગલા લેવાનું શરૂ કરવું પડશે. નહીતર એક સમય એવો આવશે કે, પ્રદુષણ અને ધોંધાટને કારણે આ શહેર રહેવાલાયક નહીં રહે અને જીવવા લાયક પણ નહીં રહે. માત્ર દાવાઓ કરવાથી બણગા ફુંકવાથી કે નિવેદન બાજીઓ કરવાથી શહેર સ્વચ્છ થઇ જતું નથી કે સ્માર્ટ બની જતું નથી. એ માટે પાયા રૂપ પગલા લેવા જરૂરી બને છે. શહેરના ભાવી વિકાસ અને વધતી જન આબાદી તથા વાહન સંખ્યાનો અંદાજો બાધીને ભાવી યોજનાનું વળતર કરવું પડે છે. માથે હાથ દઇને બેઠા રહેવાથી શહેર સ્માર્ટ બનતું નથી. નગર નિયોજકો આ દીશામાં હવે ગંભીરતાથી આગળ વધે અને પ્લાનીંગ શરૂ કરે એ રાજકોટ શહેરના હિતમાં રહેશે. સહુ પ્રથમ ધોધાટ અને હવાનું પ્રદુષણ ઘટાડવાના પગલા પ્રાથમિકતા માંગી લે છે એ માટે આપણે વિશ્ર્વાના શહેરો તરફ નજર દોડાવાની જરૂર નથી. બેંગ્લોર અને સુરતના ઉદાહરણ આપણી પાસે મોજુદ છે આપણે એમના આયોજનમાંથી પ્રેરણા લઇ શકી. આરોગ્ય નિક્ષણાંતોએ હંમેશા એવી લાલ બતી ધરી છે કે, જો મહાનગર રાજકોટમાં ધોંધાટ નિર્ધારીત સહય ડેસીબલ લેવલથી વધુ થઇ જશે અને પ્રદુષણ 2.0ની મર્યાદાથી પણ વધી જશે તો શહેરીજનોને બહેરાસ, અંધાપા, દમ અસ્થમા, કેન્સર, ડીપરેશન જેવી બિમારીઓનો ભોગ બનવાનો વારો આવી શકે. પ્રદુષણએ કોઇ પણ પ્રકારનું હોય હવાનું કે અવાજનું તેનાથી વૃધ્ધ નાગરિકો અને બાળકો જલદી પ્રભાવીત થતા હોય છે. વૃધ્ધ નાગરિકોની ઇમ્યુનીટી નબળી પડી હોય છે. તેના કારણે એમને વધુ પ્રતિકુળ અસર થવાનો ડર રહે છે. એજ રીતે 1 થી 5 વર્ષની વયના બાળકો પણ પ્રદુષણને કારણે જાતજાતની બિમારીના ચેપનો ભોગ બની શકે છે. આવી પરિસ્થિતિ વધુ ગંભીર બને નહીં અને રાજકોટની હાલત દિલ્હી જેવી થઇ ન જાય એ માટે આગોતરૂ આયોજન કરવાની આજના સમયની માંગ છે.