રાજકોટ યાર્ડનું ચિત્ર રાતોરાત બદલાયું; ભાજપની પધ્ધતિ હવે પરંપરા!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

આગામી ચૂંટણીઓ પહેલા રાજકોટ યાર્ડનાં હોદ્દેદારોની પસંદગીની પ્રક્રિયાએ ફરીવાર પુરવાર કર્યું કે, ભાજપનું હવામાન પણ મૌસમનાં બદલાતા મિજાજ જેવું બન્યું છે: સેન્સ લેવાની પ્રક્રિયા માત્ર દેખાડો બની હોવાની પક્ષમાં ભારે ચર્ચા: વિધાનસભા ચૂંટણીઓ પહેલા કોણીએ ગોળ ચોટાડીને બાજુમાં ધકેલી દેવાયેલા અસંતુષ્ટો મોટી નવા-જૂની કરશે ખરા?: રાજકોટ યાર્ડનાં ચેરમેન- વા.ચેરમેન તરીકે સેન્સ મુજબનાં નામો ગઇકાલે સાંજનાં 6 સુધી નક્કી હતા ત્યાં અચાનક મોડી રાતે વાતાવરણમાં મોટું પરિવર્તન: કોણે કેવી ભૂમિકા પડદા પાછળ ભજવી તેનું જુદા-જુદા જૂથોમાં જોરદાર મનોમંથન

રાજકારણમાં આશ્ર્ચર્ય અને આઘાત એ કોઈ નવી વાત હોતી નથી. પરંતુ આ પ્રકારની પ્રક્રિયા બહુ ભાગ્યે જ જોવા મળતી હોય છે. જો કે દેશના અને ગુજરાતનાં રાજકારણ પર જબરૂ વર્ચસ્વ સ્થાપી ચુકેલા ભાજપની વાત કરીએ તો તેની વાત જ નિરાળી છે.

Visit Saurashtra Kranti Homepage here

કેમકે મૌસમનાં સતત બદલાતા અને પલ્ટાતા મિજાજની જેમ ભાજપમાં પણ રાજકારણનો મામલો ક્યારે બદલાઈ જાય, ક્યારે વાદળો જામે અને ક્યારે વિખેરાઈ જાય અને અચાનક આઘાત અને આશ્ર્ચર્યનાં આંચકા અપાતા ફેસલા લેવાય જાય એ નક્કી હોતું નથી.

રાજકોટ માર્કેટ યાર્ડનાં નવા સુકાનીઓની વરણીની પ્રક્રિયાએ હકીકત પુન: સ્થાપિત કરી છે કે, રાજકારણમાં પલ્ટા મારવાની પધ્ધતિ અને યુક્તિ હવે ભાજપની પરંપરા બની રહી છે.

ચર્ચાય છે કંઇક જુદું અને બને છે કંઇક જુદું. આ સિસ્ટમ ભાજપમાં નિયમિત પ્રક્રિયાનું રૂપ લઇ રહી છે અને મૌસમ પલ્ટા જેવા નિર્ણયો લેવાની ભાજપને ટેવ પડી ગઈ છે. તેવું અકળ પ્રકારનું હવામાન ભાજપમાં પ્રસરી ગયેલું દેખાય છે.

જેનો વધુ એક નમુનો સૌરાષ્ટ્રનાં સૌથી મોટા યાર્ડ રાજકોટ બેડી યાર્ડમાં જોવા મળ્યો છે. સહકારી જગતમાં પણ હવે જે ન’તું થતું એવું રીમોર્ટ કંટ્રોલ સંચાલન ભાજપે શરૂ કરી દીધું હોય એવું યાર્ડમાં નવા સુકાનીઓની વરણી પરથી અભિપ્રેત થાય છે. તેવી ચર્ચાએ જોર પકડયું છે.

આગામી દિવસોમાં એટલે કે વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ઘણીબધી નવા જૂની થવાની અને ભાજપમાં આશ્ર્ચર્યજનક રાજકીય ઘટનાઓ સાકાર થવાની રાજકીય પંડિતો ગણતરી માંડી રહ્યા છે.

સહકારી સંસ્થામાં અત્યાર સુધી પ્રદેશ કક્ષાએથી સીધો ચંચુપાત કરવામાં આવતો ન હતો. પણ ભાજપે હવે એવી શિસ્ત અને સિધ્ધાંતને તડકે મૂકી દીધા હોય એવું ચિત્ર સ્પષ્ટ બની રહ્યું છે.

વ્હાલા-દવલાની નીતિનાં મોટા-મોટા દાવા હવે માત્ર બણગા હોય એવું લાગે છે. વ્હાલા-દવલાની નીતિ મુજબ જ યાર્ડમાં નિર્ણય લેવાયો છે. એવું કહીએ તો ખોટું નથી. કેમકે જે નવા સુકાની આવ્યા છે.

એટલે કે જે નવા ચેરમેન બન્યા છે તેઓ પ્રદેશ ઉપાધ્યક્ષ નેતાનાં ખાસ અને અંગત જમણા હાથ જેવા મનાય છે અને પ્રદેશ ઉપાધ્યક્ષ જે છે તેઓ પ્રદેશ પ્રમુખની ખાસ નજીક ગણવામાં આવે છે.

એટલે જ ગઈકાલે મધરાતે હવામાનનાં પલ્ટાની જેમ યાર્ડ અંગેનું આખેઆખું ચિત્ર જ બદલાય ગયું. ભાજપે ચર્ચામાં આવેલા અને સેન્સમાં આગળ રહેલા નામોને બાજુએ હડસેલી અન્ય નામો પર જ પસંદગી ઉતારી રાજકીય હવામાનમાં અનિશ્ર્ચિતતાનું તત્વ યથાવત રાખવાની પરંપરા જાળવી રાખી છે

બલ્કે વધુ મજબુત બનાવી છે. રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો ગઈકાલે મોડી સાંજ સુધી યાર્ડનાં સુકાની તરીકે સેન્સમાં નક્કી થયેલા નામો લગભગ ફાઈનલ માનવામાં આવતા હતા

પણ અચાનક જોરદાર રાજકીય લોબીંગ શરૂ થયું. કેટલાક પૂર્વ મંત્રીઓ સહિત ખમતીધર નેતાઓએ પક્ષનાં ગાંધીનગરનાં પ્લગમાં છેડા ભરાવ્યા અને આખી લાઈન જ બદલાઈ ગઈ અને વીજ પ્રવાહ જ્યાં જવાનો હતો

ત્યાંથી હટીને અન્યત્ર ફંટાઈ ગયો અને એકાએક નવા સુકાનીઓ તરીકે ધારણામાં ન હતા એવા નામો જાહેર થયા અને યાર્ડનાં આસન પર બેસાડી દેવામાં આવ્યા. અત્યારે તો ગમે તે ભોગે ભાજપની નેતાગીરીએ બળવો થવાની શક્યતા દબાવી દીધી છે.

છેલ્લી ઘડીની રાજકીય રમતમાં જેમના પતા કપાઈ ગયા છે એવા ભાજપનાં નેતા અત્યારે તો સમસમીને બેસી ગયા છે. પણ આ યુધ્ધ પહેલાની શાંતિ હોય એવું ભાસે છે.

ભવિષ્યમાં મૌસમનો મિજાજ ફરી પલટાઈ અને ભાજપનું રાજકારણ ભર શિયાળે ચોમાસાની જેમ કમૌસમી બની જાય અને નવતર ઘટનાઓ બને તો પણ નવાઈ નહીં લાગે. આવનારા દિવસો ભાજપ અને તેના મોવડીઓ માટે આસાન નહીં હોય એવું રાજકીય પંડિતો માની રહ્યા છે.

ચૂંટણીઓ સમયે ખરા ખેલ જોવા મળી શકે છે અને ભાજપને બદલાતા મૌસમની જેમ રાજકીય આંચકા આપવાની જે ટેવ પડી છે એ તેને ભારે પડી શકે છે. એવું નિષ્ણાંતો માને છે.

સહકારી સંસ્થાઓમાં અત્યાર સુધી ભાજપ દ્વારા રાજ્ય કે જિલ્લા કક્ષાએ સીધી ડખલગીરી કરવાની સિસ્ટમ અમલમાં ન હતી પણ હવે અગ્રણી સહકારી સંસ્થાઓનાં હોદ્દેદારોની વરણી હોય કે ઉમેદવારોની પસંદગી હોય તેમાં પણ મોવડી મંડળ સીધો હસ્તક્ષેપ કરવા લાગ્યો છે.

એટલે જ સહકારી રાજકારણ ઉપર પણ કાયમ અનિશ્ર્ચિતતાનાં વાદળો ઘેરાયેલા રહે છે. કેટલાકને કોણીએ ગોળ ચોટાડી છેલ્લી ઘડીએ હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે તો કેટલાને દૂરથી ગાજર બતાવીને એમને અમસ્તા અમસ્તા રાજી કરી દેવામાં આવે છે.

પણ એ લોકો પણ કદી ગાજર પામી શકતા નથી. આવા લોકોનો સમૂહ ભાજપમાં હવે વધુને વધુ મોટો બનતો જાય છે. કહેવાનો અર્થ એ છે કે કોણીએ ગોળ ચોટાડીને જેમને બાજુએ ધકેલી દેવામાં આવ્યા છે અને સાઈડ લાઈન કરવામાં આવ્યા છે.

એવા વખાના માર્યા નેતાઓની સંખ્યા દિવસે-દિવસે વધતી જાય છે. વિધાનસભાની ચૂંટણીઓ સમયે આવા હાંસિયામાં ભરાઈ ગયેલા લોકોનો મોટો સમૂહ મોટો ઉત્પાત સર્જીને ભાજપનાં કેટલાક નેતાઓની વ્યૂહરચનાને વેરવિખેર કરી નાખે તો પણ નવાઈ નહીં લાગે.

Read About Weather here

આંતરિક લડાઇની આગની જ્વાળાઓ હવે સહકારી ક્ષેત્રને પણ ઘેરી રહી છે. ત્યારે તેનાથી પ્રદેશ કક્ષા સુધી ઝાળ લાગવાની સંભાવના બિલકુલ નકારી શકાય નહી. જો એવું બને તો વિધાનસભાની ચુંટણીઓનાં પરિણામો પણ ભાજપનાં મૌસમ પલ્ટાનાં મિજાજ અને રાજકીય માહોલમાં આશ્ર્ચર્ય સર્જી શકે તેમ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here