વિરાટનગરમાં આપના ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી પાર્ટી પર જ સવાલ ઉઠાવ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આજે મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે વિરાટનગરના આપ ઉમેદવારો ભગવાન પટેલ અને બાબુ જેઠવાએ ફોર્મ પાછું ખેંચી લીધું છે. જ્યારે ભગવાન પટેલે આપ સામે જ ગંભીર આરોપ લગાવ્યો છે કે આપ ભાજપની બી ટીમ છે. એટલું જ નહીં બંને ઉમેદવારોએ કોંગ્રેસ ઉમેદવારોને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. આજે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ પરત ખેચવાના છેલ્લા દિવસે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભગવાન પટેલ અને બાબુ જેઠવાએ વિરાટનગર વોર્ડમાંથી પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરતી આમ આદમી પાર્ટીને જાકારો આપી વિરાટનગર વોર્ડના કોગ્રેસ પક્ષના ઉમેદવારને ટેકો જાહેર કરવાની જાહેરાત કરી હતી. ફોર્મ પાછું ખેંચનાર ભગવાન પટેલે જણાવ્યું હતું કે, ભાજપના તાનાશાહી અને ભ્રષ્ટ શાસનથી થાકીને દિલ્હીના ભ્રમિત પ્રચારથી અંજાઈ લોકસેવા અર્થે અમે આમ આદમી પાર્ટીમાં જોડાણ કર્યુ હતું. પરંતુ આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પડદા પાછળ ભાજપને જીતાડવાનું કામ કરી રહી હોય એવું સપષ્ટ દેખાઈ રહૃાું છે.

જેના કારણે આજે અમે અમારા ઉમેદવારી પત્રો પરત ખેંચી ભાજપને હરાવવા માટે કોગ્રેસ પક્ષને સમર્થન જાહેર કરેલું છે અને બીજા પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વિનંતી કરીએ છીએ કે, આ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ સમાન આમ આદમી પાર્ટી ને જાકારો આપે.