ડિંડોલીમાં પ્રેમમાં પાગલ યુવકે ૨૧ વર્ષીય યુવતીને લગ્ન માટે ધમકી આપી

સુરતમાં મહિલા સુરક્ષાની વાતો વચ્ચે છેડતી અને ધમકી સહિત દુષ્કર્મના બનાવો વધી રહૃાાં છે. ડિંડોલી ખરવાસા રોડ વિસ્તારમાં રહેતી યુવતીને એક તરફી પ્રેમમાં પાગલ બનેલા તેના જ સમાજના પડોશી યુવકે તેની સાથે લગ્ન નહી કરશે તો સમાજમાં બદનામ કરી નાંખવાની ધમકી આપી તમાચો માર્યો હતો.આ અંગે યુવતીએ પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.તો સચીન સ્લમ બોર્ડ વિસ્તારમાં ખુલ્લા પ્લોટમ પેશાબ કરવા ગયેલી ૧૨ વર્ષીય કિશોરીની છેડતી કરવામાં આવી હતી. કિશોરીએ બુમાબુમ કરતા નરાધમે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

પોલીસે બન્ને કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. ડિંડોલી પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ખરવાસા રોડ ઓમનગર મહેસાણનગર -૨માં રહેતા મૂળ મહેસાણાના ઉંઝાના મકતુપુર ગામના પલકકુમાર મહેન્દ્ર પટેલ (ઉ.વ.૨૩)એ ગત તા ૨ ફેબ્રુઆરીના બપોરના દોઢ વાગ્યાથી ૪ ફેબ્રુઆરીના બપોરના સાડા ત્રણ વાગ્યાના આરસામાં તેના જ વિસ્તારમાં રહેતી તેના સમાજની ૨૧ વર્ષીય યુવતીના ઘરે ગયો હતો અને યુવતીને તેની સાથે લગ્ન નહી કરે તો સમાજમાં બદનામ કરી નાંખીશ કહી ઝઘડો કર્યો હતો, તેમજ લાફો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

બનાવ અંગેડિંડોલી પોલીસે યુવતીની ફરિયાદ લઈ પલકકુમાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સચીન સ્લમ બોર્ડ ખેતલા આપા ટી સ્ટોલની પાછળ રહેતા દિપકકુમાર બિંદેસરીસિંગ ભુઈયાર (ઉ.વ.૩૫)એ ગઈકાલે બપોર બારેક વાગ્યે ખુલ્લા પ્લોટમાં બાથરૂમ કરવા માટે ગયેલી ૧૨ વર્ષીય કિશોરીની છેડતી કરી હતી. કિશોરીએ બુમાબુમ કરતા તેને માર માર્યો હતો અને બુમાબુમ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.